રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ PM નરેન્દ્ર મોદી 2047 સુધી દેશનું નેતૃત્વ કરતા રહે તેવી ઇચ્છા વ્યક્ત કરી. તેમણે PM નરેન્દ્ર મોદીને 75મા જન્મદિવસની શુભેચ્છા પાઠવતા આ વાત વ્યક્ત કરી. મુકેશ અંબાણીએ કહ્યું કે, "આજે આપણા ભારતીયો માટે ઉજવણીનો દિવસ છે. આજે આપણા આદરણીય અને પ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે. દેશના વેપારી સમુદાય, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અંબાણી પરિવાર વતી, હું તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. હું ઈચ્છું છું કે તેઓ 2047 સુધી વડાપ્રધાન રહે, જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરે."
''તેઓ સો વર્ષ જીવે''
મુકેશ અંબાણીએ કહ્યું કે ''નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ ગુજરાતને ઔદ્યોગિક રાજધાની બનાવ્યું અને હવે તે સમગ્ર દેશને બદલી રહ્યા છે. એ કોઈ સંયોગ નથી કે પીએમ નરેન્દ્ર મોદીનો અમૃત મહોત્સવ પણ દેશની આઝાદીના અમૃત કાળ સાથે એકરુપ છે. તેઓ સો વર્ષ જીવે''. તેમણે કહ્યું કે, "ભગવાન પોતે જ પીએમ નરેન્દ્ર મોદીને આપણા દેશનું નેતૃત્વ કરવા માટે એક 'અવતાર' તરીકે મોકલ્યા છે. મેં ક્યારેય એવો નેતા જોયો નથી જે આટલો અથાક અને વિરામ વગર કામ કરે છે. હું દેશભરના લોકો સાથે PM નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું છું અને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું."
જન્મદિવસની શુભેચ્છા પાઠવી
PM નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાજપ પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. અસંખ્ય રાજકારણીઓ ઉપરાંત, શાહરૂખ ખાન, આમિર ખાન અને કંગના રનૌત જેવી હસ્તીઓએ પણ PM મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વધુમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે રાત્રે PM મોદી સાથે વાત કરી હતી અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ભાજપના ઘણા નેતાઓએ જાહેર જીવનમાં નરેન્દ્ર મોદીની ચાર દાયકાની સફરના પોતાના અનુભવો શેર કર્યા છે. આ નેતાઓમાં નીતિન ગડકરી, રાજનાથ સિંહ અને સ્મૃતિ ઈરાનીનો સમાવેશ થાય છે.