ચૂંટણી પંચે EVM ને લઈ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. EVM ચૂંટણી પ્રતીકો સાથે રંગીન ફોટાનો સમાવેશ થશે. આ બિહાર વિધાનસભા ચૂંટણીથી શરૂ થશે. ચૂંટણી પંચે બુધવારે આ જાહેરાત કરી હતી. પંચે જણાવ્યું છે કે, સમાન નામ ધરાવતા ઉમેદવારો ઘણીવાર મતદારોમાં મૂંઝવણ પેદા કરે છે. જે ઉકેલવા માટે ચૂંટણી લડતા ઉમેદવારનો રંગીન ફોટો હવે EVM પર મૂકવામાં આવશે, જેનાથી મતદારો તેમના પસંદગીના ઉમેદવારને યોગ્ય રીતે ઓળખી શકશે અને મતદાન કરી શકશે. બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો આવતા મહિને જાહેર થવાની શક્યતા છે.
EVM પર ઉમેદવારોના રંગીન ફોટોગ્રાફ અને...
ભારતના ચૂંટણી પંચે બુધવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે, ઉમેદવારોના રંગીન ફોટા હવે EVM બેલેટ પેપર પર છાપવામાં આવશે. જેનાથી તેમની ઓળખ વધુ સ્પષ્ટ થશે. ચૂંટણી લડતા ઉમેદવારોના ચહેરા ફોટો સ્પેસના ત્રણ-ચતુર્થાંશ ભાગ પર કબજો કરશે, જેનાથી તેમના ચહેરા સ્પષ્ટ રીતે દેખાશે. બધા ઉમેદવારો અને NOTA (નોટા) નંબર પણ EVM પર બોલ્ડ ફોન્ટમાં છાપવામાં આવશે. ફોન્ટનું કદ ૩૦ હશે. વધુમાં બધા ઉમેદવારોના નામ અને NOTA એક જ ફોન્ટમાં છાપવામાં આવશે અને મતદારોને વાંચવામાં સરળતા રહે તે માટે ફોન્ટનું કદ પણ નક્કી કરવામાં આવશે. ચૂંટણી પંચે EVM મતપત્રો માટે એક વજન પણ નક્કી કર્યું છે. આ કાગળો 70 GSM હશે. વિધાનસભા ચૂંટણીઓ માટે ખાસ ગુલાબી કાગળનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી પંચ આગામી બિહાર વિધાનસભા ચૂંટણીઓથી શરૂ કરીને આ ફેરફારો લાગુ કરી રહ્યું છે. આ પ્રક્રિયા પછીની બધી ચૂંટણીઓમાં અનુસરવામાં આવશે.
સમાન નામ ધરાવતા ઉમેદવારોમાં કોઈ મૂંઝવણ નહીં
ઘણીવાર એવું જોવા મળે છે કે સમાન નામ ધરાવતા એક કરતાં વધુ ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહે છે. જેનાથી મતદારોમાં મૂંઝવણ ઊભી થાય છે. ક્યારેક મતદારો ભૂલથી સમાન નામ ધરાવતા ઉમેદવારને મત આપે છે. આ સમસ્યાને ઉકેલવા માટે ચૂંટણી પંચે EVM પર ઉમેદવારોના રંગીન ફોટોગ્રાફ છાપવાનો નિર્ણય લીધો છે જેથી મતદારો તેમના ઉમેદવારનું નામ અને ચૂંટણી ચિહ્ન તેમજ તેમનો ચહેરો જોઈને યોગ્ય રીતે મતદાન કરી શકે.
બિહારની ગમેત્યારે ચૂંટણી જાહેર થઈ શકે!
બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત આવતા મહિને થવાની ધારણા છે. રાજ્યની તમામ 243 વિધાનસભા બેઠકો પર ચૂંટણી માટે તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કર્યા પછી અંતિમ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. 30 સપ્ટેમ્બરના રોજ તેના પ્રકાશન પછી ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. બિહાર પછી, 2026માં પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની ધારણા છે.