એપ્રિલ મહિનામાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરી અને જેના કારણે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું અને પાકિસ્તાનનો પરાજય થયો. હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના આંતકી સૈફુલ્લાહ કસુરીએ ફરી એકવાર ભારતને ધમકી આપી છે. આતંકવાદીની ધમકી બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. લશ્કર-એ-તૈયબાના સૈફુલ્લાએ કહ્યું કે, "ભારત સરકારે ધ્યાનથી સાંભળવું જોઈએ અને તમારા દમનકારી સમાજને જણાવવું જોઈએ કે તે સમય આવી રહ્યો છે જ્યારે, ઇન્શા અલ્લાહ, આ નદીઓ અમારી હશે, તેમના બંધ અમારા હશે, અને આખું જમ્મુ અને કાશ્મીર અમારૂ હશે."
પહેલગામ હુમલાના માસ્ટરમાઇન્ડે ભારતને આપી ધમકી!
લશ્કર-એ-તૈયબાના આંતકીએ કહ્યું કે, આજે તમે જે પણ પગલાં લઈ રહ્યા છો, ઇન્શા અલ્લાહ, તમારે તેના પરિણામો ભોગવવા પડશે. આજે જે કંઈ થઈ રહ્યું છે તેનો બદલો લેવામાં આવશે. ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. અમારા પ્રિય દેશના દરેક ઇંચ અને કણનું રક્ષણ કરવા માટે અમે અમારૂ જીવનું જોખમ લઈશું.
સુરક્ષા એજન્સીઓ સતર્ક
આ ધમકીઓને પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક છે અને આવી આતંકવાદી ઘટનાઓને રોકવા માટે તમામ શક્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. વધુમાં ભવિષ્યમાં આવી કોઈપણ ઘટના ન બને તે માટે આતંકવાદ સામે ભારતનો અવાજ વધુ મજબૂત બની રહ્યો છે.
કસૂરી પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી છે
સૈફુલ્લાહ કસૂરી પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી છે અને લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી ચીફ છે. તેને આતંકવાદી હાફિઝ સઈદનો નજીક માનવામાં આવે છે. તેની ઉંમર આશરે 40 થી 45 વર્ષ હોવાનો અંદાજ છે અને તે 20-25 વર્ષથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે.
ભારત વિરુદ્ધ ઝેર ઓક્યો?
સૈફુલ્લાહ સમયાંતરે ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. તે પાકિસ્તાની સેના અને ISI દ્વારા આયોજિત કાર્યક્રમોમાં પણ ભાગ લે છે. સૈફુલ્લાહનું સુરક્ષા વર્તુળ ખૂબ જ મજબૂત છે, આતંકવાદીઓ હંમેશા આધુનિક ટેકનોલોજીના હથિયારો સાથે તેની આસપાસ ઉભા રહે છે.