પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો અને ભારત-રશિયા સંબંધોને મજબૂત બનાવવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે દરેક શક્ય રીતે યોગદાન આપશે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, "મારા મિત્ર, રાષ્ટ્રપતિ પુતિન, તમારા ફોન કોલ અને મારા 75મા જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર. અમે અમારી ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારત યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે દરેક શક્ય યોગદાન આપવા માટે તૈયાર છે."
પુતિને PM મોદીને અભિનંદ પાઠવ્યા
પુતિને મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને ભારત અને રશિયા વચ્ચેની ભાગીદારીને મજબૂત બનાવવામાં તેમના ઉત્કૃષ્ટ વ્યક્તિગત યોગદાનની પ્રશંસા કરી. એક વેબ પોર્ટન પર પ્રકાશિત અભિનંદન સંદેશમાં, પુતિને કહ્યું, "તમે (મોદી) સરકારના વડા તરીકે તમારા કાર્ય દ્વારા તમારા દેશવાસીઓનો સર્વોચ્ચ આદર મેળવ્યો છે અને વૈશ્વિક મંચ પર નોંધપાત્ર પ્રભાવ પાડ્યો છે." તેમણે ઉમેર્યું કે મોદીના નેતૃત્વમાં ભારતે સામાજિક, આર્થિક, વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે.
બેન્જામિન નેતન્યાહૂ પણ અભિનંદન પાઠવ્યા
પુતિને કહ્યું, "તમે આપણા દેશો વચ્ચે ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર ફાયદાકારક રશિયન-ભારતીય સહયોગ વિકસાવવામાં ઉત્કૃષ્ટ વ્યક્તિગત યોગદાન આપી રહ્યા છો." પુતિન ઉપરાંત ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક સહિત અનેક વિશ્વ નેતાઓએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા.
ટ્રમ્પે પણ...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે ફોન કર્યો હતો. ટેરિફ અંગે દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ વચ્ચે ભારત સાથેના સંબંધો સુધારવાના યુએસ પ્રયાસોના ભાગ રૂપે તેમની અભિનંદનને જોવામાં આવી રહી છે. ટ્રમ્પે કહ્યું કે મોદી ખૂબ સારું કામ કરી રહ્યા છે અને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસોમાં તેમના સમર્થન બદલ આભાર માન્યો.
''જન્મદિવસની શુભેચ્છા''
ઇટાલીના વડા પ્રધાન મેલોનીએ ટ્વિટર પર મોદી સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો, તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેણીએ લખ્યું, "તેમની (મોદી) શક્તિ, તેમનો દૃઢ નિશ્ચય અને લાખો લોકોનું નેતૃત્વ કરવાની તેમની ક્ષમતા પ્રેરણાનો સ્ત્રોત છે. મિત્રતા અને આદર સાથે, હું તેમને સારા સ્વાસ્થ્ય અને ઉર્જાની શુભેચ્છા પાઠવું છું જેથી તેઓ ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી શકે અને આપણા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવી શકે."