ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં સોનેટ અને સેલ્ટોસ જેવી હિટ કારો વેચતી કિયા ઇન્ડિયાએ ઓક્ટોબર 2025નો વેચાણ અહેવાલ જાહેર કર્યો છે. આ મહિને કંપનીએ અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ નોંધાવ્યું છે, જે ઉદ્યોગ માટે નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે. તહેવારોની સિઝન અને સરકાર દ્વારા GSTમાં ઘટાડો, આ બંને પરિબળોએ કિયાના વેચાણને નવી ઊંચાઈએ પહોંચાડ્યા છે.
કિયાનું રેકોર્ડબ્રેક વેચાણ
કિયા ઇન્ડિયાએ ઓક્ટોબર 2025માં કુલ 29,556 યુનિટ્સનું વેચાણ કર્યું, જ્યારે ઓક્ટોબર 2024માં આ આંકડો 22,735 યુનિટ હતો. એટલે કે, કંપનીએ વર્ષગાળામાં 30%ની વૃદ્ધિ નોંધાવી છે. તુલનાત્મક રીતે જોવામાં આવે તો સપ્ટેમ્બર 2025માં વેચાયેલા 22,700 યુનિટની સામે પણ 30.2%નો ઉછાળો નોંધાયો છે.
કિયાના અધિકારીઓ અનુસાર, આ વૃદ્ધિ ગ્રાહકોની વધતી માંગ, સકારાત્મક બજાર માહોલ અને કિંમત ઘટાડાની અસરનું પરિણામ છે.
તહેવારોની મોસમ અને GSTમાં ઘટાડો બન્યા મુખ્ય કારણ
કિયાના રેકોર્ડબ્રેક વેચાણ પાછળ બે મુખ્ય કારણો માનવામાં આવે છે. તહેવારોની ખરીદીની મોસમ અને GST ઘટાડો. દશેરા, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારોને કારણે ગ્રાહકોમાં નવી કાર ખરીદવાનો ઉત્સાહ શિખરે હતો.
આ ઉપરાંત, કેન્દ્ર સરકારે વાહનો પર GST ઘટાડતા કિયાના મોડલ્સ વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક ભાવમાં ઉપલબ્ધ થયા. કિંમતમાં ઘટાડાએ ગ્રાહકોને શોરૂમ તરફ આકર્ષ્યા અને વેચાણમાં ઉછાળો લાવ્યો.
સોનેટ નંબર વન કાર તરીકે છવાઈ
કિયાની સબકોમ્પેક્ટ SUV સોનેટ ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ વેચાતી કાર રહી. કંપનીએ એક જ મહિને 12,745 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું, જે અત્યાર સુધીનું તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. GST ઘટાડાના પગલે તેની કિંમતમાં ઘટાડો થતાં ગ્રાહકો તરફથી મળેલા પ્રતિસાદે રેકોર્ડ તોડી નાખ્યો.
સેલ્ટોસ અને કેરેન્સનું યોગદાન પણ નોંધપાત્ર
કિયાની બીજી લોકપ્રિય SUV સેલ્ટોસએ આ મહિને 7,130 યુનિટ્સનું વેચાણ કરીને કંપનીના કુલ આંકડામાં નોંધપાત્ર ફાળો આપ્યો.
તે જ રીતે, કરેન્સ અને કેરેન્સ ક્લેવિસ EVની સંયુક્ત વેચાણ સંખ્યા 8,779 યુનિટ સુધી પહોંચી.
ઉદ્યોગ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કિયા હાલમાં ભારતીય SUV માર્કેટમાં સૌથી ઝડપી વૃદ્ધિ પામતી બ્રાન્ડ્સમાંની એક બની ગઈ છે, અને તહેવારો બાદ પણ તેની માંગ મજબૂત રહેવાની શક્યતા છે.




















