14 નવેમ્બરે પરિણામો સાથે ખેસારી, રિતેશ અને મૈથિલીની રાજકીય સફરનો ફેસલો 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. આજે, 14 નવેમ્બરની સવારથી શરૂ થયેલી મતગણતરી સાથે સત્તાની ચાવી કોના હાથમાં રહેશે તેની ઉત્સુકતા ચરમસીમાએ છે. આ ચૂંટણી માત્ર રાજકીય ઉથલપાથલ જ નહીં, પરંતુ મનોરંજન ઉદ્યોગની મજબૂત હાજરીથી પણ ખાસ છે.
ફિલ્મ અને સંગીત જગતના ત્રણ મોટા નામો પ્રથમ વખત જનતાની કસોટીમાં છે. તેમના માટે આ પરિણામો કારકિર્દીનો નવો અધ્યાય ખોલી શકે છે અથવા નિરાશા લાવી શકે છે. જાણો, કોણ છે આ ત્રણ સ્ટાર્સ અને તેમની લડત કેવી છે.
છપરામાં ખેસારી લાલ યાદવની પરીક્ષા
છપરા વિધાનસભા બેઠક આ વખતે હાઇ-પ્રોફાઇલ ઝોન બની છે. ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ આરજેડીની ટિકિટ પર મેદાનમાં છે. તેમની રેલીઓમાં ફિલ્મી ભીડ જામે છે અને સમર્થકો માને છે કે સ્ટાર પાવર મતોમાં બદલાશે. પરંતુ વળાંક એ છે કે ભોજપુરીના ત્રણ દિગ્ગજો – મનોજ તિવારી, રવિ કિશન અને પવન સિંહ –એ ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. આ બેઠક સ્પર્ધાત્મક અને અનિશ્ચિત છે. શું ખેસારીની ગ્લેમરસ ઇમેજ રાજકીય સફળતા અપાવશે?
કરગહરમાં રિતેશ પાંડેની ચુનૌતી
ભોજપુરી સંગીતનો સુપરહિટ અવાજ રિતેશ પાંડે પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટી તરફથી કરગહર બેઠક પર લડી રહ્યાં છે. તેમનું ગીત ‘હેલો કૌન’ યુટ્યુબ પર સૌથી વધુ જોવાયેલ ભોજપુરી ગીત છે. પાર્ટીને વિશ્વાસ છે કે રિતેશની સરળ છબી અને જનતા સાથેનું જોડાણ ધાર આપશે. પરંતુ રાજકારણમાં તાળીઓ કરતાં મતો વધુ મહત્વના છે. શું સંગીતની સફળતા રાજકીય જીતમાં બદલાશે?
અલીનગરમાં મૈથિલી ઠાકુરની પહેલી લડાઈ
લોકગાયિકા મૈથિલી ઠાકુર ભાજપની ટિકિટ પર અલીનગરથી પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે. તેમની ઉમેદવારીએ ‘બાહરી વિરુદ્ધ સ્થાનિક’ની ચર્ચા છેડી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રેલીએ બેઠકને વધુ હાઇ-પ્રોફાઇલ બનાવી. શું કલા જગતમાં દિલ જીતનાર મૈથિલી રાજકારણમાં પણ જનતાને પ્રભાવિત કરશે? પરિણામો ટૂંક સમયમાં સ્પષ્ટ થશે અને આ ત્રણ સ્ટાર્સની રાજકીય સફરની દિશા નક્કી થશે નવી ઊંચાઈ કે નિરાશા? બધાની નજર પરિણામો પર!



















