Home Entertainment Bigg Boss Ott Winner Elvish Yadav Supreme Court Court Cancel Fir In Snake Poison Case

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત : સાપના ઝેરના કેસમાં FIR રદ કરવાનો આદેશ, જાણો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 07:33 AM IST

Elvish Yadav Verdict: ફેમસ યુટ્યુબર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવ માટે રાહતના સમાચાર આવ્યા છે. દેશની સર્વોચ્ચ અદાલતે (Supreme Court) એલ્વિશ યાદવ વિરુદ્ધ નોંધાયેલા સાપના ઝેર (Snake Venom Case) સંબંધિત કેસને ખતમ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRને રદ કરતા જણાવ્યું હતું કે, આ ફરિયાદ અને FIR કાયદાની દૃષ્ટિએ માન્ય નથી. આ ચુકાદા સાથે જ લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય ગૂંચવણોમાંથી એલ્વિશ યાદવને મુક્તિ મળી છે. મહત્વનું છે કે, નવેમ્બર 2023માં નોઈડામાં એક રેવ પાર્ટી દરમિયાન સાપના ઝેરના કથિત ઉપયોગ બદલ એલ્વિશ યાદવ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે 17 માર્ચ, 2024ના રોજ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે એલ્વિશ યાદવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા આ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.

FIR કાયદાની દૃષ્ટિએ માન્ય નથી: સુપ્રીમ કોર્ટ

એલ્વિશ યાદવે પોતાની સામે નોંધાયેલી ચાર્જશીટ અને ફોજદારી કાર્યવાહીને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. સુનાવણી દરમિયાન બેન્ચે અવલોકન કર્યું હતું કે યુપી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં કાયદાકીય આધારનો અભાવ છે. કોર્ટે અન્ય કોઈપણ પાસાઓ પર વિચાર કર્યા વગર સીધી જ આ FIR રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ પહેલાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં જ સર્વોચ્ચ અદાલતે નીચલી અદાલતમાં ચાલતી આ કેસની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.

અગાઉની સુનાવણીમાં કોર્ટે આપી હતી નસીહત

ગયા મહિને થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એલ્વિશ યાદવના વકીલને ટકોર કરતા કહ્યું હતું કે, "જો જાણીતી હસ્તીઓ સાપ જેવા 'બેઝુબાન' પ્રાણીઓનો ઉપયોગ કરે છે, તો સમાજમાં ખૂબ જ ખરાબ સંદેશ જાય છે." કોર્ટે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ હેઠળ નોંધાયેલી ફરિયાદ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પૂછ્યું હતું કે શું કોઈ પ્રાણી સંગ્રહાલયમાં જઈને પ્રાણીઓ સાથે રમી શકે છે? શું તે ગુનો નથી? જોકે, કાયદાકીય પ્રક્રિયાના અભાવે અંતે FIR રદ કરવામાં આવી છે.

બચાવ પક્ષ અને સરકારની દલીલો

એલ્વિશ યાદવ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલે દલીલ કરી હતી કે એલ્વિશ માત્ર સિંગર ફાઝિલપુરિયાના એક વીડિયોમાં ગેસ્ટ એપિયરન્સ માટે ગયો હતો. ત્યાં કોઈ રેવ પાર્ટી કે નશીલા પદાર્થોના સેવનના પુરાવા મળ્યા નથી. વકીલે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે એલ્વિશ કથિત ઘટના સ્થળે હાજર નહોતો અને મેડિકલ રિપોર્ટમાં પણ સાબિત થયું હતું કે જે નવ સાપ તપાસવામાં આવ્યા હતા તે ઝેરી નહોતા. બીજી તરફ, રાજ્ય સરકારના વકીલે દલીલ કરી હતી કે પોલીસે કોબરા સહિત નવ સાપ બચાવ્યા હતા અને પાર્ટીમાં સાપના ઝેરનો ઉપયોગ થયો હોવાની આશંકા હતી.

એલ્વિશ યાદવ માટે મોટી જીત

એલ્વિશ યાદવ પર આરોપ હતો કે તે વિદેશીઓ સાથે રેવ પાર્ટીઓનું આયોજન કરતો હતો જેમાં મનોરંજન માટે સાપના ઝેરનો ઉપયોગ થતો હતો. જોકે, હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં ચાલેલી દલીલોમાં એ સાબિત થયું કે એલ્વિશ પાસેથી કોઈ સાપ કે નશીલા પદાર્થો મળી આવ્યા નથી. આ ચુકાદા બાદ એલ્વિશ યાદવના ચાહકોમાં ખુશીનો માહોલ છે અને સોશિયલ મીડિયા પર આ સમાચાર ટ્રેન્ડ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now