Home Entertainment Mahila Ayog Issues Notice To Nora Fatehi And Sanjay Dutt In Sarke Chunar Obscene Song Case

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં : મહિલા આયોગે ફટકારી નોટિસ, જુઓ એવું તો શું છે આ ગીતમાં કે સંસદમાં પણ ગાજ્યો મુદ્દો?

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 09:47 AM IST

Entertainment News: બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી અને અભિનેતા સંજય દત્ત મુશ્કેલીમાં મુકાયા છે. રાષ્ટ્રીય મહિલા આયોગે (NCW) આગામી ફિલ્મ 'KD: ધ ડેવિલ'ના વિવાદાસ્પદ ગીત "સરકે ચુનર તેરી સરકે" ના અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ મામલે કડક વલણ અપનાવ્યું છે. આ ગીતના બોલ અને પિક્ચરાઈઝેશન સામે સોશિયલ મીડિયા પર ઉઠેલા વિરોધ બાદ આયોગે સ્વયં સંજ્ઞાન લઈને નોરા ફતેહી, સંજય દત્ત સહિત ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટરને નોટિસ ફટકારી છે. NCWએ આ તમામને આગામી 24 માર્ચના રોજ આયોગ સમક્ષ હાજર થવા માટે આદેશ આપ્યો છે. આયોગનું માનવું છે કે, ગીતના બોલ પ્રથમ દ્રષ્ટિએ અત્યંત વાંધાજનક અને અશ્લીલ સંકેતોવાળા છે, જે કાયદાકીય મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. આયોગે ચેતવણી પણ આપી છે કે જો નિર્ધારિત તારીખે આ હસ્તીઓ હાજર નહીં રહે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે વિવાદ વકરતા આ ગીતને મંગળવારે જ યુટ્યુબ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યું છે.

સંસદમાં ગાજ્યો અશ્લીલ ગીતનો મુદ્દો

આ ગીતનો વિવાદ માત્ર સોશિયલ મીડિયા પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ બુધવારે સંસદમાં પણ આ મામલે પડઘા પડ્યા હતા. સમાજવાદી પાર્ટીના સાંસદ આનંદ ભદૌરિયાએ ગીતની અશ્લીલતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું હતું કે ગીત પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સરકાર વાણી સ્વાતંત્ર્યના નામે સમાજમાં ગંદકી ફેલાવતી વસ્તુઓ સાંખી લેશે નહીં અને બાળકો તેમજ મહિલાઓના રક્ષણ માટે ડિજિટલ માધ્યમો પર કડક નિયંત્રણો લાદવા માટે પ્રતિબદ્ધ છે.

નોરા ફતેહીએ કહ્યું- 'મને અંધારામાં રાખીને ગીત શૂટ કરાયું'

વિવાદમાં ફસાયેલી નોરા ફતેહીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને પોતાની સફાઈ આપી છે. નોરાએ મેકર્સ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, "મેં આ ગીત ત્રણ વર્ષ પહેલાં કન્નડ ફિલ્મ (સેન્ડલવુડ) માટે શૂટ કર્યું હતું. મને કન્નડ ભાષા સમજાતી નથી, તેથી હું ટ્રાન્સલેશન માટે મેકર્સ પર નિર્ભર હતી. તે સમયે મને જે અનુવાદ કહેવામાં આવ્યો તેમાં કશું જ વાંધાજનક નહોતું. પરંતુ હવે મેકર્સે મારી પરવાનગી વિના આ ગીતને હિન્દીમાં ડબ કર્યું છે, જેના લિરિક્સ અત્યંત વલગર છે."

મેકર્સ પર AI ના ઉપયોગનો અને છેતરપિંડીનો આરોપ

નોરા ફતેહીએ વધુમાં જણાવ્યું કે લોન્ચ ઈવેન્ટમાં જ્યારે તેણે હિન્દી ગીત સાંભળ્યું ત્યારે તે પોતે ચોંકી ગઈ હતી. તેણે આરોપ લગાવ્યો કે મેકર્સે તેની મંજૂરી વિના લિરિકલ વીડિયો બનાવ્યો અને તેની તેમજ સંજય દત્તની AI જનરેટેડ તસવીરોનો ઉપયોગ કર્યો છે. નોરાએ કહ્યું કે, "હું કોઈ નેપોકિડ નથી અને મારી પાછળ કોઈ મોટી શક્તિ નથી. મેં ડિરેક્ટરને સ્પષ્ટ કહ્યું હતું કે આ ગીત મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડશે અને હું તેને પ્રમોટ કરીશ નહીં."

શું છે સમગ્ર વિવાદનું મૂળ?

પાન ઇન્ડિયા ફિલ્મ ‘KD: ધ ડેવિલ’ આગામી 30 એપ્રિલ 2026 ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ગીત ‘સરકે ચુનર તેરી’ 14 માર્ચે રિલીઝ કરવામાં આવ્યું હતું. રિલીઝ થતાની સાથે જ ગીતના ડબલ મિનિંગ લિરિક્સ અને વાંધાજનક ડાન્સ સ્ટેપ્સને કારણે વિવાદ શરૂ થયો હતો. આ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે પણ સેન્સર બોર્ડ, ગૂગલ ઈન્ડિયા અને આઈટી મંત્રાલય પાસેથી જવાબ માંગ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now