હોન્ડા મોટર કોર્પોરેશન લિમિટેડે પોતાની આગામી પેઢીની નવીન ટેક્નોલોજી સંબંધિત માહિતી જાહેર કરી છે. કંપનીએ હાઇબ્રિડ સિસ્ટમ, ઇલેક્ટ્રિક આર્કિટેક્ચર અને અન્ય આધુનિક તકનીકી ઉકેલો રજૂ કર્યા છે, જે 2050 સુધી પોતાના પ્રોડક્ટ અને ફેક્ટરીઓને કાર્બન ન્યુટ્રલ બનાવવાના લક્ષ્ય સાથે જોડાયેલા છે.
હોન્ડા ઓટોમોટિવ ટેક્નોલોજી વર્કશોપ દરમિયાન કંપનીએ PF2 કોડનેમ ધરાવતું નવી પેઢીનું મિડસાઇઝ હાઇબ્રિડ પ્લેટફોર્મ રજૂ કર્યું. PF2 હાલના પ્લેટફોર્મની તુલનામાં લગભગ 90 કિલોગ્રામ હલકું છે અને તેની બોડી વધુ મજબૂત બનાવવામાં આવી છે. તેનું ડિઝાઇન મોડ્યુલર સ્વરૂપ ધરાવે છે, જેથી અલગ અલગ કાર મોડલમાં તેનો ઉપયોગ સરળ બને. કંપનીના જણાવ્યા મુજબ PF2 ડ્રાઇવિંગનો આનંદ વધારશે અને ફ્યુઅલ ઈફિશિયન્સી સુધારશે.
PF2 પ્લેટફોર્મની મુખ્ય ખાસિયતો
PF2માં મોડ્યુલર લેઆઉટ અપનાવવામાં આવ્યું છે જેમાં એન્જિન-બે અને રિયર અન્ડરબોડી એક જ માળખામાં તૈયાર કરવામાં આવ્યા છે. આ ડિઝાઇનના કારણે 60%થી વધુ ઘટકો અલગ અલગ કારોમાં એકસરખા રહી શકે છે. પરિણામે ડેવલપમેન્ટ અને પ્રોડક્શન પ્રક્રિયા સરળ બને છે અને મેન્યુફેક્ચરિંગ ખર્ચમાં ઘટાડો થાય છે.
આ નવા પ્લેટફોર્મમાં અનેક અદ્યતન ટેક્નોલોજી સુવિધાઓ આપવામાં આવી છે. તેમાં મોશન મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે, જે રોબોટિક્સ આધારિત બોડી પોઝ્ચર કન્ટ્રોલ દ્વારા વાહનની સ્ટેબિલિટી વધારે છે. એજાઇલ હેન્ડલિંગ અસિસ્ટ સિસ્ટમ વાહનને વધુ સ્મૂથ અને સચોટ હેન્ડલિંગ આપે છે. સાથે બોડી રિજીડિટી મેનેજમેન્ટ ટેક્નોલોજી ટાયરો પરનો લોડ સંતુલિત રાખીને વળાંક દરમિયાન કારને વધુ સ્થિર બનાવે છે.
PF2 આધારિત કારો ક્યારે આવશે
કંપનીએ જણાવ્યું છે કે PF2 આધારિત પ્રથમ પ્રોડક્શન રેડી કાર 2027થી બજારમાં ઉપલબ્ધ થશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ PF2 પર આધારિત પહેલી કાર 7-સીટર SUV હશે, જે ભારતીય બજાર માટે તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારબાદ 2029માં PF2 આધારિત નવી પેઢીની હોન્ડા સિટી પણ લોન્ચ થશે.
હોન્ડાના જણાવ્યા અનુસાર PF2 આધારિત હાઇબ્રિડ કારોમાં હાલની પેટ્રોલ ઈન્જિન કારની તુલનામાં 30% વધુ માઈલેજ અને 10% વધુ ઝડપી એક્સિલરેશન મળશે. સાથે આ વાહનોની ટોઇંગ ક્ષમતા પણ વધારવામાં આવશે.
હોન્ડાનું આ પગલું તેની ગ્લોબલ ઈકો-ફ્રેન્ડલી વ્યૂહરચના તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાય છે, જે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં નવી દિશા ઉભી કરશે.




















