હાઇવે પર સફર દરમિયાન અચાનક કારમાં ખામી દેખાય તો પરિસ્થિતિ મુશ્કેલ બની શકે છે. ઘણા ડ્રાઇવરોને એવી પરિસ્થિતિનો અનુભવ થાય છે જ્યાં એન્જિનમાંથી ધુમાડો દેખાય છે અથવા વાહનમાંથી અજીબ અવાજ સંભળાય છે. ખાસ કરીને જો તમે એકલા મુસાફરી કરી રહ્યા હોવ અથવા આસપાસ મદદ ઉપલબ્ધ ન હોય, તો આ સ્થિતિ વધુ તંગ બની શકે છે. આવી ઘડીએ યોગ્ય પગલા ભરવાથી તમે જોખમને ઓછું કરી શકો છો અને મદદ મળવાનું સુગમ બને છે. નિષ્ણાતોની સલાહ મુજબ નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
સલામત જગ્યાએ વાહન અટકાવો
કારમાં ખામીનો અણસાર મળતાં જ તરત જ હેઝર્ડ લાઇટ ચાલુ કરો જેથી પાછળ આવતા વાહનોને તમારી સ્થિતિ અંગે જાણ મળે. શક્ય હોય તો ડાબી તરફની લેન અથવા ઇમરજન્સી લેનમાં વાહન ધીમે ધીમે લઈ જવું યોગ્ય માનવામાં આવે છે. ઢાળવાળાં રસ્તાઓ અથવા બ્રિજ પર રોકાવું જોખમી બની શકે છે. સીધા અને સ્પષ્ટ દેખાતા માર્ગ પર ઉભા રહેવાથી અન્ય વાહનચાલકો તમને સરળતાથી જોઈ શકે છે.
મદદ માટે સંપર્ક સાધો
વાહન સ્થિર થયા પછી હેઝર્ડ લાઇટ ચાલુ જ રાખો અને ફોન દ્વારા મદદ માટે પ્રયાસ કરો. જો તમારી પાસે રિફ્લેક્ટિવ ત્રિકોણ હોય, તો તેને કારથી 50 થી 100 મીટર પાછળ રાખો જેથી દૂરથી આવતા ડ્રાઇવરોને તમારી હાજરીનો સંકેત મળે. રાત્રિ દરમિયાન અથવા ઓછા પ્રકાશમાં આ સાધન અગત્યનું બને છે. મુસાફરી દરમ્યાન હંમેશા રિફ્લેક્ટિવ ત્રિકોણ સાથે રાખવું લાભદાયી છે.
અજાણ્યા સ્થળે કારની અંદર જ રહો
જો તમે કોઈ સૂનસાન વિસ્તાર કે ઓછી લાઇટવાળા માર્ગ પર હોવ, તો અનાવશ્યક રીતે કારની બહાર ન નીકળવું સલામત માનવામાં આવે છે. કારને રોડની ધાર પર પાર્ક કર્યા પછી અંદરથી જ ફોન દ્વારા પોલીસ, હેલ્પલાઇન અથવા ઓળખીતાઓનો સંપર્ક સાધવો વધુ યોગ્ય છે. તમારી લોકેશન શેર કરવાથી મદદ ઝડપી મળી શકે છે.




















