લક્ઝરી કાર ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. મર્સિડીઝ-બેન્ઝ, BMW, જગુઆર લેન્ડ રોવર અને ઓડી જેવી લક્ઝરી બ્રાન્ડની કાર હવે ભારતમાં થોડા સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે તાજેતરમાં કરેલા ફેરફારોને કારણે લક્ઝરી કારના ભાવમાં ઘટાડો થશે.
કાઉન્સિલે અગાઉના ચાર GST સ્લેબ (5%, 12%, 18%, 28%)ને બદલીને હવે ફક્ત બે મુખ્ય સ્લેબ – 5% અને 18% – રાખ્યા છે. આ ઉપરાંત લક્ઝરી સામાન માટે 40% નો નવો સ્લેબ રજૂ કર્યો છે. અગાઉ પેટ્રોલ-ડીઝલ કાર પર 28% GST વસૂલાતો હતો, સાથે એન્જિનના કદ અનુસાર 1% થી 22% સુધીનો કોમ્પેન્સેશન સેસ વસૂલાતો. લક્ઝરી કાર પર આ સેસ 17% થી 22% સુધીનો હતો, જેના કારણે કુલ ટેક્સ 45-50% જેટલો થઈ જતો.
નવી વ્યવસ્થા 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. હવે લક્ઝરી કાર પર મહત્તમ 40% ટેક્સ જ લાગશે, જેના કારણે કુલ કરભાર ઘટશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, 5-10% જેટલો ઘટાડો થવાથી લક્ઝરી કારના ભાવ ઘટશે અને ગ્રાહકોને સીધો લાભ મળશે.
લક્ઝરી કાર ડીલરોનું માનવું છે કે ટેક્સમાં ઘટાડાથી માંગ વધશે અને પહેલી વાર લક્ઝરી સેગમેન્ટમાં પ્રવેશ કરનારા ગ્રાહકોનો રસ વધી શકે છે. ભારત હાલમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું કાર બજાર છે, પરંતુ તેમાં લક્ઝરી કારનું યોગદાન ફક્ત 1% છે. ઉદ્યોગ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, નવા GST દરો લાગુ થતાં આ હિસ્સો ઓછામાં ઓછો 3% સુધી પહોંચી શકે છે, જે કંપનીઓ અને ખરીદદારો બંને માટે લાભદાયી રહેશે.