બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ ઘરે પરત ફર્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તેમની તબિયત નાજુક હોવાથી પરિવાર ચિંતિત હતો, પરંતુ હવે તેઓ સ્થિર છે અને ઘરે જ સારવાર ચાલુ રહેશે.
એમ્બ્યુલન્સમાં ઘરે પહોંચ્યા
ધર્મેન્દ્રને સવારે 7 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો. તેઓ એમ્બ્યુલન્સમાં ઘરે પહોંચ્યા, જ્યારે તેમના પુત્ર બોબી દેઓલ કારમાં તેમની પાછળ હતા. રજા મળતાં જ હોસ્પિટલે બેરિકેડ્સ હટાવી દીધા. ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને લઈને ચાહકો અને નજીકના મિત્રોમાં ભારે ચિંતા હતી. છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં મુલાકાતીઓનો ધસારો હતો. શાહરૂખ ખાન, સલમાન ખાન, ગોવિંદા અને આમિર ખાન જેવી હસ્તીઓ તેમને મળવા આવી, પરંતુ ICUમાં હોવાથી મુલાકાત મુશ્કેલ બની.
સોશિયલ મીડિયા અફવાઓ
સની દેઓલ અને બોબી દેઓલ સતત હાજર રહીને અપડેટ આપતા હતા. આ દરમિયાન ધર્મેન્દ્રના અવસાનની અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાઈ, જેના પર એશા દેઓલ અને હેમા માલિનીએ સખત વાંધો ઉઠાવ્યો. હવે ધરમ પાજી ઘરે છે અને ચાહકોને આશા છે કે તેઓ જલ્દી સ્વસ્થ થઈને સોશિયલ મીડિયા પર પાછા ફરશે, તેમના રમુજી વીડિયો અને કવિતાઓ શેર કરશે.




















