એશિયા કપમાં ભારત સામે શરમજનક હાર બાદ, નિરાશ પાકિસ્તાની ક્રિકેટરોની હવે અપશબ્દો બોલી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ યુસુફે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે ડુક્કર શબ્દનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાની ટીવી ચેનલ પર હાથ મિલાવવાના વિવાદની ચર્ચા કરતી વખતે મોહમ્મદ યુસુફે વારંવાર સૂર્યકુમાર યાદવને 'ડુક્કર' કહ્યા હતા. ટીવી એન્કર પણ ચોંકી ગયા હતા અને તેમને વારંવાર સુધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુસુફે સૂર્યકુમાર યાદવને અપશબ્દો કહેવાનું ચાલુ રાખ્યું હતું.
પાકિસ્તાન એશિયા કપ 2025 ની ગ્રુપ A મેચમાં ભારત સામે 7 વિકેટની કારમી હારને પચાવી શકતું નથી. તે જ સમયે, મેચ પછી સૂર્યકુમાર યાદવે હાથ ન મિલાવતા તેમના ઘા પર મીઠું ભભરાવ્યું. તેમના ખેલાડીઓની ભૂલો ગણવાને બદલે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને પાકિસ્તાની ખેલાડીઓએ ભારતીય ટીમ અને મેનેજમેન્ટને અપશબ્દો કહેવાનું શરૂ કર્યું. પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે 17,000 થી વધુ રન બનાવનારા મોહમ્મદ યુસુફે પણ અપશબ્દોનો આશરો લીધો.
