સોમવારે એશિયા કપ 2025ના ડબલ-હેડરથી સુપર-4ની તસવીર ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ ગઈ છે. ગ્રુપ A ના UAE એ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં બપોરના મેચમાં ઓમાનને 42 રનથી હરાવ્યું. બીજી તરફ ગ્રુપ B ની શ્રીલંકાએ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં હોંગકોંગને હરાવ્યું. UAEની જીત બાદ ભારત સુપર-4 માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની ગઈ છે, જ્યારે ઓમાન રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની છે. બીજી તરફ, શ્રીલંકા સામે હાર બાદ હોંગકોંગની ટીમની પણ એશિયા કપમાં સફર સમાપ્ત થઈ ગઈ છે.
ભારત સુપર-4 માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ
રવિવારે પાકિસ્તાન સામે ભારતની સાત વિકેટની શાનદાર જીતથી તેને ચાર પોઈન્ટ મળ્યા છે, જેનાથી તે આગળના તબક્કામાં પહોંચી ગઈ છે. UAEની જીતે સુપર-4માં તેની દાવેદારીને જીવંત રાખી છે. આ જીતથી પાકિસ્તાન પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ મંડરાવા લાગ્યું છે. પાકિસ્તાનની સાથે UAE પાસે પણ બે પોઈન્ટ છે. હવે આ બંને ટીમો વચ્ચે ગ્રુપ Aમાંથી સુપર-4માં જવા માટે નોકઆઉટ મેચ રમાશે. UAE અને પાકિસ્તાન બુધવાર, 7 સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ મેચમાં ટકરાશે. જે જીતશે તે આગામી તબક્કમાં સ્થાન પ્રાપ્ત કરશે.
ગ્રુપમાં હવે માત્ર 2 મેચ બાકી
ગ્રુપમાં હવે માત્ર 2 મેચ બાકી છે. 16 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન vs બાંગ્લાદેશ અને 18 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન vs શ્રીલંકા રમાશે. જો અફઘાનિસ્તાન બાંગ્લાદેશને હરાવે છે, તો તે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ શ્રીલંકા માટે પણ ક્વોલિફાય સુનિશ્ચિત કરશે. આનો અર્થ એ થશે કે, બાંગ્લાદેશ બે પોઈન્ટથી આગળ વધી શકશે નહીં, અને અફઘાનિસ્તાન અને શ્રીલંકા બંનેના ચાર-ચાર પોઈન્ટ હશે.