કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને માન આપતાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)માં મહત્વના સુધારા કર્યા છે. આગામી ખરીફ સિઝન (2025)થી જંગલી પ્રાણીઓના હુમલાથી પાકને થતા નુકસાન તથા પૂર-વરસાદને કારણે ડાંગર (ધાન)ના પાકને પાણી ભરાવાથી થતા નુકસાનને પણ વીમા કવચ હેઠળ સામેલ કરવામાં આવશે.
જંગલી પ્રાણીઓના હુમલાને “સ્થાનિક આપત્તિ”નો દરજ્જો
કૃષિ મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે હાથી, જંગલી ડુક્કર, નીલગાય, હરણ, વાંદરા વગેરે જંગલી પ્રાણીઓના હુમલાથી થતા પાકના નુકસાનને હવે “સ્થાનિક જોખમો” (Localised Risks)ની શ્રેણીમાં પાંચમા એડ-ઓન કવર તરીકે ગણવામાં આવશે. રાજ્ય સરકારોએ આવા નુકસાન કરતા પ્રાણીઓની યાદી તૈયાર કરવાની રહેશે અને ઐતિહાસિક ડેટાના આધારે સંવેદનશીલ જિલ્લા/વીમા એકમો નક્કી કરવાના રહેશે.
72 કલાકમાં રિપોર્ટિંગ ફરજિયાત
ખેડૂતોએ નુકસાન થયાના 72 કલાકની અંદર પાક વીમા એપ પર જીઓ-ટેગ્ડ ફોટા અપલોડ કરીને નુકસાનની જાણ કરવાની રહેશે. નિષ્ણાતો આ સમયમર્યાદાને દૂરના વિસ્તારોમાં અવ્યવહારુ ગણાવી રહ્યા છે, કારણ કે ત્યાં મોબાઇલ નેટવર્કની સમસ્યા અને ખેડૂતોની વ્યસ્તતાને ધ્યાનમાં લેતાં આટલી ટૂંકી મુદતમાં રિપોર્ટ કરવું મુશ્કેલ છે.
ડાંગર માટે પણ મળશે વીમો
અત્યાર સુધી પૂર કે વધુ વરસાદથી ધાનના ખેતરોમાં પાણી ભરાવાથી થતા નુકસાનને વીમા કવચમાંથી બહાર રાખવામાં આવતું હતું. 2018માં નૈતિક જોખમ અને મૂલ્યાંકનની મુશ્કેલીઓને કારણે આ જોખમને બાકાત રાખવામાં આવ્યું હતું. હવે તેને ફરી સામેલ કરવાથી તમિલનાડુ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ જેવા પૂરગ્રસ્ત અને દરિયાકાંઠાના રાજ્યોના ખેડૂતોને મોટી રાહત મળશે.
પ્રીમિયમમાં કોઈ ફેરફાર નહીં
ખેડૂતોએ હાલની જેમ રવિ પાક માટે 1.5%, ખરીફ પાક માટે 2% અને બાગાયતી-વાણિજ્યિક પાક માટે 5% પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. વધારાના પ્રીમિયમનો બોજ કેન્દ્ર અને રાજ્ય સરકારો સરખે ભાગે ઉઠાવશે.ખેડૂત સંગઠનોએ આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ 72 કલાકની રિપોર્ટિંગ મર્યાદા અને ઝડપી દાવા નિવારણની પ્રક્રિયા પર વધુ સ્પષ્ટતાની માંગ કરી છે.




















