logo-img
Whatsapp Wedding Invitation Scam Alert

WhatsApp પર આવી કંકોત્રી? : ભૂલથી પણ ના ખોલશો, ખાલી થઈ જશે બેંક અકાઉન્ટ

WhatsApp પર આવી કંકોત્રી?
Published by: Offbeat Team
| Last Updated: Nov 18, 2025, 07:38 PM IST

લગ્નની સીઝન દરમિયાન લોકો WhatsApp દ્વારા ઈ-કાર્ડ મોકલવાનું સરળ માને છે, પરંતુ હવે આ જ સરળતા સાયબર ગુનેગારો માટે નવા હથિયાર તરીકે બની રહી છે. નકલી ડિજિટલ લગ્ન આમંત્રણોની આડમાં મોટી છેતરપિંડી ચાલી રહી છે અને અજાણમાં લિંક ખોલનારાઓના બેંક એકાઉન્ટ તુરંત ખાલી થઈ રહ્યા છે.

આ કૌભાંડમાં શંકાસ્પદ નંબર પરથી લગ્નનું આમંત્રણ મોકલવામાં આવે છે. તેમાં “કૃપા કરીને કાર્ડ જુઓ”, “તમને અમારા લગ્નમાં આવવાનું આમંત્રણ” જેવા વાક્ય લખેલા હોય છે અને તેની સાથે કોઈ PDF અથવા લિંક જોડાયેલી હોય છે. ઘણા લોકો તેને સામાન્ય લગ્ન કાર્ડ સમજી તરત ખોલી લે છે.

સાઈબર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આ લિંક પર ક્લિક કરવાથી મોબાઇલમાં માલવેર ઇન્સ્ટોલ થાય છે. તે ફોનમાં રહેલી બેંકિંગ એપ્સ, OTP, પાસવર્ડ અને અન્ય વ્યક્તિગત માહિતી ગુપ્ત રીતે ચોરી લે છે. કેટલાક કિસ્સાઓમાં આ સોફ્ટવેર ફોનનું સંપૂર્ણ નિયંત્રણ પણ પોતાના હાથમાં લઈ શકે છે.

આ છેતરપિંડી એટલી ઝડપથી ફેલાઈ રહી છે કારણ કે લોકો લગ્ન આમંત્રણને શંકાસ્પદ ગણતા નથી. હેકરો લગ્ન કાર્ડને એટલી કુશળતાથી ડિઝાઇન કરે છે કે તે વાસ્તવિક લાગતું હોવાથી લોકો વિચાર્યા વગર તેને ખોલી નાખે છે. દેશભરમાં અનેક લોકો પહેલેથી જ આનો ભોગ બની ચૂક્યા છે.

સાયબર સલામતી તજજ્ઞો કહે છે કે અજાણ્યા નંબર પરથી આવેલ કોઈપણ લિંક, ફાઈલ અથવા PDF તરત ન ખોલવી જોઈએ. સંદેશ ઓળખીતો લાગે તો પણ વ્યક્તિને ફોન કરીને ખાતરી કરવી જોઈએ. મોબાઇલમાં મજબૂત એન્ટીવાયરસ રાખવો, બેંકિંગ સંબંધિત માહિતી કોઈને ન આપવી અને OTP ક્યારેય શેર ન કરવી એ મુખ્ય બચાવના પગલા છે.

જો ભૂલથી તમે આવી કોઈ લિંક અથવા ફાઈલ ખોલી હોય, તો તરત તમામ પાસવર્ડ બદલવા અને બેંકને જાણ કરવાની સલાહ આપવામાં આવે છે. સરકારની સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now