logo-img
War Like Situation In Violence In 13 States After Death Of Drug Don El Mencho Lockdown In Fifa World Cup City

મેક્સિકોમાં યુદ્ધ જેવી સ્થિતિ : ડ્રગ ડોન ‘એલ મેન્ચો’ના મોત બાદ 13 રાજ્યોમાં હિંસા, FIFA વર્લ્ડ કપ સિટીમાં લોકડાઉન

મેક્સિકોમાં યુદ્ધ જેવી સ્થિતિ
Published by: Offbeat Team
| Last Updated: Feb 24, 2026, 03:30 AM IST

મેક્સિકોમાં સુરક્ષા દળોએ એક મોટા ઓપરેશન દરમિયાન દેશના સૌથી કુખ્યાત અને શક્તિશાળી ડ્રગ માફિયા નેમેસિયો ઓસેગેરા સર્વાંતેસ ઉર્ફે ‘એલ મેન્ચો’ને ઠાર માર્યો છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર મેક્સિકોમાં જાણે ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એલ મેન્ચોના સમર્થકો અને કાર્ટેલના ગુંડાઓએ દેશના 31માંથી 13 રાજ્યોમાં ભારે હિંસા, આગચંપી અને તોડફોડ શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 25 જવાનો સહિત કુલ 32 લોકોના મોત થયાના અહેવાલ છે.

ફિફા વર્લ્ડ કપ સિટીમાં સન્નાટો, 20 બેંકો ફૂંકી મારી

હિંસાની સૌથી વધુ અસર જાલિસ્કોમાં જોવા મળી રહી છે, જે FIFA વર્લ્ડ કપ 2026ના યજમાન શહેરોમાંનું એક છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે, ત્યાં લોકડાઉન જેવી પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે. તોફાની તત્વોએ 20થી વધુ સરકારી બેંકની શાખાઓને આગ ચાંપી દીધી છે અને અનેક હાઈવે પર ટ્રકો સળગાવીને રસ્તાઓ જામ કરી દીધા છે. સુરક્ષા દળોએ ઓપરેશન દરમિયાન બખ્તરબંધ ગાડીઓ અને રોકેટ લોન્ચર જેવા અત્યાધુનિક હથિયારોનો જથ્થો જપ્ત કર્યો છે.

કોલંબિયા જેવો રક્તપાત થવાની આશંકા

ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપના એનાલિસ્ટ ડેવિડ મોરાના જણાવ્યા અનુસાર, આ ઘટના મેક્સિકોની શેનબામ સરકાર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. નિષ્ણાતો ડર વ્યક્ત કરી રહ્યા છે કે, જો એલ મેન્ચોના સંબંધીઓ કાર્ટેલની કમાન સંભાળશે, તો હિંસા વધુ ઉગ્ર બનશે. 1990ના દાયકામાં કોલંબિયામાં જે રીતે કાર બોમ્બ વિસ્ફોટો અને વિમાનો પર હુમલા થતા હતા, તેવો ઇતિહાસ મેક્સિકોમાં પુનરાવર્તિત થવાની આશંકા છે.

ટ્રમ્પનું દબાણ અને અમેરિકા સાથેના સંબંધો

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત મેક્સિકો પર ડ્રગ કાર્ટેલ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા દબાણ કરી રહ્યા હતા. ટ્રમ્પે તાજેતરમાં જ ડ્રગ કાર્ટેલ્સને 'વિદેશી આતંકવાદી સંગઠન' જાહેર કર્યા છે અને સૈન્ય કાર્યવાહીની પણ ચેતવણી આપી હતી. એલ મેન્ચોનું નેટવર્ક અમેરિકામાં ફેન્ટેનાઈલ અને કોકેઈન જેવા જીવલેણ ડ્રગ્સ ઘુસાડવામાં મુખ્ય ભૂમિકા ભજવતું હતું, જેના કારણે અમેરિકામાં દર વર્ષે લાખો લોકોના મોત થાય છે.

કાર્ટેલ પાસે પોતાની ખાનગી સેના અને વિમાનો

મેક્સિકોના ડ્રગ કાર્ટેલ્સ આજે માત્ર અપરાધી ટોળકીઓ મટીને એક સમાંતર સૈન્ય શક્તિ તરીકે ઉભરી આવ્યા છે, જેમની તાકાત કોઈ નાના દેશની સેનાને પણ પડકારી શકે તેવી છે. તેમની પ્રચંડ 'હવાઈ તાકાત'નો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એકલા સિનાલોઆ કાર્ટેલ પાસે 600થી વધુ વિમાન અને હેલિકોપ્ટરનો કાફલો છે, જે મેક્સિકોની સૌથી મોટી નેશનલ એરલાઇન 'એરો મેક્સિકો' કરતા પણ પાંચ ગણી વધુ સંખ્યા ધરાવે છે. માત્ર સાધન-સંપન્નતા જ નહીં, પણ 'મેનપાવર'ની દ્રષ્ટિએ પણ આ નેટવર્ક વિશાળ છે; અંદાજે 1.60 લાખથી 1.85 લાખ લોકો આ કાર્ટેલ્સ માટે કામ કરે છે, જે તેમને મેક્સિકોમાં પાંચમા સૌથી મોટા એમ્પ્લોયર (રોજગાર આપનાર) બનાવે છે.

આ ઉપરાંત, આ કાર્ટેલ્સ પાસે AK-47, M-80 જેવી અત્યાધુનિક એસોલ્ટ રાઇફલ્સ, બખ્તરબંધ ટેન્કો, મશીનગન અને દેખરેખ તેમજ હુમલા માટે સક્ષમ ડ્રોન જેવા ઘાતક હથિયારોનો મોટો જથ્થો ઉપલબ્ધ છે. આ આધુનિક શસ્ત્રાગાર અને ખાનગી સેનાના જોરે તેઓ ઘણીવાર સ્થાનિક પોલીસ અને સરકારી સુરક્ષા દળો સામે સીધી જંગ છેડે છે, જે મેક્સિકોની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો બની ગઈ છે.

ભૂતકાળમાં પણ આવી હિંસા થઈ ચૂકી છે

મેક્સિકોમાં આ પ્રથમ વાર નથી કે કોઈ મોટા ડ્રગ લોર્ડના મોત કે ધરપકડ બાદ હિંસા થઈ હોય. 2016માં એલ ચાપો અને 2024માં અલ માયોની ધરપકડ વખતે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. 2019માં જ્યારે એલ ચાપોના પુત્ર ઓવિડિયો ગુઝમેનને પકડવામાં આવ્યો, ત્યારે તેના ગુંડાઓએ આખા શહેરને બંધક બનાવી લીધું હતું, જેના કારણે સરકારે તેને છોડવો પડ્યો હતો.

હવે જોવાનું એ રહેશે કે 'જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ' (CJNG) માં નવા નેતાની પસંદગી શાંતિથી થાય છે કે પછી આંતરિક સત્તા સંઘર્ષમાં લોહીની નદીઓ વહેશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now