પ્રયાગરાજની સ્પેશિયલ પોક્સો કોર્ટના આદેશ બાદ ઝૂંસી પોલીસ સ્ટેશનમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય મુકુંદાનંદ બ્રહ્મચારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની અત્યંત કડક કલમોનો સમાવેશ કર્યો છે. આ મામલે કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે જો આ ગંભીર કલમો હેઠળ દોષ સાબિત થાય તો આરોપીઓને આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે.
પોક્સો એક્ટ હેઠળની કડક જોગવાઈઓ અને સજા
પીડિત પક્ષ સગીર હોવાને કારણે આ કેસમાં પોક્સો એક્ટના સખત નિયમો લાગુ કરવામાં આવ્યા છે:
સેક્શન 3, 5 અને 9: આ કલમો ગંભીર સેક્સ્યુઅલ એસોલ્ટ અને પેનેટ્રેટિવ સેક્સ્યુઅલ એસોલ્ટ સાથે જોડાયેલી છે. જ્યારે કોઈ વ્યક્તિ સત્તા અથવા વિશ્વાસના પદ પર રહીને આવો ગુનો આચરે ત્યારે તે વધુ ગંભીર બને છે. આ હેઠળ દોષિત ઠરનારને ઓછામાં ઓછી 20 વર્ષની જેલ અથવા આજીવન કેદની સજા થઈ શકે છે. અતિ ગંભીર કિસ્સાઓમાં કોર્ટ ફાંસીની સજા અને ભારે દંડ પણ ફટકારી શકે છે.
સેક્શન 17: આ કલમ ગુના માટે ઉકસાવવા અથવા મદદ કરવા સાથે સંબંધિત છે. કાયદા મુજબ ઉકસાવનાર વ્યક્તિને પણ મુખ્ય ગુનેગાર જેટલી જ સજા મળવાની જોગવાઈ છે.
ભારતીય ન્યાય સંહિતા (BNS) મુજબ સંભવિત દંડ
નવા કાયદા એટલે કે ભારતીય ન્યાય સંહિતા હેઠળ પણ આ કેસમાં અનેક ધારાઓ લગાવવામાં આવી છે:
સેક્શન 69: આ કલમ બળાત્કાર અને ગંભીર જાતીય હુમલા સાથે સંબંધિત છે. જેમાં ગુનાની ગંભીરતાને આધારે ઓછામાં ઓછી 10 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની જેલ થઈ શકે છે.
સેક્શન 74, 75, 76 અને 79: આ કલમો જાતીય સતામણી અને મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાના ઈરાદે કરવામાં આવતા હુમલાઓ સાથે જોડાયેલી છે. આ કલમો હેઠળ સામાન્ય રીતે 3 થી 7 વર્ષની કેદ અને દંડની જોગવાઈ છે.
સેક્શન 109: કોઈ પણ ગુનામાં મદદગારી કરવા બદલ આ કલમ હેઠળ મુખ્ય આરોપીની જેમ જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને તેને પોતાની વિરુદ્ધનું રાજકીય કાવતરું ગણાવ્યું છે. હાલમાં આ કાયદાકીય પ્રક્રિયા પ્રાથમિક તબક્કામાં છે અને પોલીસ પુરાવાઓ એકત્રિત કરી રહી છે.




















