Home International Army Dog Tyson Kishtwar Encounter Shot But Did Not Stop Tysons Bravery Saved The Lives Of Soldiers Jaishs Top Commander Saifullah Ther

જવાનો માટે ઢાલ બન્યો 'ટાયસન' : ગોળી વાગી હોવા છતાં આતંકીઓને દરમાંથી શોધી કાઢ્યા, જાણો શું થયું કિશ્તવાડમાં

જવાનો માટે ઢાલ બન્યો 'ટાયસન'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 24, 2026, 09:30 AM IST

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ભારતીય સેનાએ મોટી સફળતા મેળવી છે. આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ જેશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર સૈફુલ્લા સહિત ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. જોકે, આ મિશનની સૌથી ખાસ વાત એ રહી હતી કે, તેમાં ભારતીય સેનાના જવાનોની સાથે એક 'સાયલન્ટ વોરિયર' એટલે કે આર્મી ડોગ 'ટાયસન' (Tyson) એ અદ્ભૂત શૌર્યનું પ્રદર્શન કર્યું હતું. આતંકીઓ સાથેની લડાઈમાં ટાયસન સૌથી આગળ હતો અને તેણે પોતાના પર ગોળી ઝીલીને જવાનોના જીવ બચાવ્યા હતા. ઘાયલ થયા હોવા છતાં ટાયસને પીછેહઠ ન કરી અને આતંકીઓના ચોક્કસ લોકેશન સુધી જવાનોને પહોંચાડ્યા હતા.

ઓપરેશન પાસરકુટ: ટાયસન પર હતી સૌથી મોટી જવાબદારી

મળતી માહિતી અનુસાર, જવાનોને ખુફિયા માહિતી મળી હતી કે, કિશ્તવાડના પાસરકુટ વિસ્તારમાં કેટલાક ખતરનાક આતંકવાદીઓ છુપાયેલા છે. આ માહિતીના આધારે ભારતીય સેનાની 'વ્હાઈટ નાઈટ કોર', જમ્મુ-કાશ્મીર પોલીસની SOG અને 2 પેરા સ્પેશિયલ ફોર્સે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓના છુપાયેલા ઠેકાણા સુધી જવાનોને દોરી જવાની મહત્વની જવાબદારી ડોગ સ્ક્વોડના સભ્ય 'ટાયસન'ને સોંપવામાં આવી હતી. ટાયસન જવાનોની ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો.

ગોળી વાગી છતાં લોહીલુહાણ હાલતમાં આગળ વધતો રહ્યો

જેમ જ ટીમ આતંકીઓના શંકાસ્પદ ઠેકાણા નજીક પહોંચી, ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં સૌથી આગળ ચાલી રહેલા ટાયસનના પગમાં ગોળી વાગી હતી. સામાન્ય રીતે ગોળી વાગ્યા બાદ કોઈપણ પ્રાણી કે માણસ થંભી જાય, પરંતુ ટાયસને અદ્ભૂત સાહસ બતાવ્યું. તે લોહીલુહાણ હાલતમાં પણ પાછો ન ફર્યો અને જવાનોને આતંકીઓના સચોટ લોકેશન તરફ દોરી ગયો હતો. તેની આ બહાદુરીને કારણે જ સુરક્ષાદળો નિર્ણાયક કાર્યવાહી કરી શક્યા હતા.

જેશનો ટોપ કમાન્ડર સૈફુલ્લા ઠેર: મોટા ઓપરેશનમાં સફળતા

ટાયસનની મદદથી સુરક્ષાદળોએ ઘેરાબંધી મજબૂત કરી અને ત્રણ ખૂંખાર આતંકીઓને ઠાર કર્યા હતા. આમાં સૌથી મોટી સફળતા જેશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર સૈફુલ્લાને મારવાની છે. સૈફુલ્લા લાંબા સમયથી સુરક્ષાદળોને હાથતાળી આપી રહ્યો હતો, પરંતુ ટાયસનની નીડરતાએ તેને તેના દરમાંથી બહાર કાઢીને ઠાર કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ત્યારે ઘટનાસ્થળેથી બે એકે-47 રાઈફલ્સ અને પાંચ મેગેઝીન પણ મળી આવ્યા છે.

હોસ્પિટલમાં ટાયસનની સારવાર: હાલત સ્થિર

એન્કાઉન્ટર બાદ ઘાયલ ટાયસનને તાત્કાલિક ઘટનાસ્થળેથી સારવાર માટે આર્મી વેટરનરી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. સૈન્ય અધિકારીઓએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ટાયસનની તબિયત હાલમાં સ્થિર છે અને તે ઝડપથી સાજો થઈ રહ્યો છે. આખા દેશમાં અત્યારે આ ‘સાયલન્ટ વોરિયર’ની બહાદુરીની પ્રશંસા થઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now