કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને તેને ઉંમર કે ધર્મના કોઈ બંધનો નડતા નથી. બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં આ કહેવત સાચી સાબિત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક ખાનગી શાળાના 60 વર્ષીય સંચાલક અને પ્રિન્સિપાલ રાકેશ સાહે પોતાની જ શાળામાં ભણાવતી 28 વર્ષીય મુસ્લિમ શિક્ષિકા શાઈસ્તા પરવીન સાથે લગ્ન કરી લીધા છે. 32 વર્ષનો મોટો તફાવત હોવા છતાં બંનેએ સમાજ અને પરિવારની પરવા કર્યા વગર નેપાળના જનકપુરમાં જઈને લગ્ન કરી લેતા આખા વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. આ અનોખા લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ હોબાળો મચી ગયો છે.
શિક્ષિકા અને સંચાલક વચ્ચે પાંગર્યો પ્રેમ
રાકેશ સાહ મુઝફ્ફરપુરના ઔરાઈ વિસ્તારમાં એક ખાનગી શાળા ચલાવે છે. આ જ શાળામાં શાઈસ્તા પરવીન શિક્ષિકા તરીકે કામ કરતી હતી. સાથે કામ કરતા-કરતા બંને વચ્ચે નિકટતા વધી અને પ્રેમ પાંગર્યો. જોકે, બંને વચ્ચે ઉંમરનો મોટો તફાવત (32 વર્ષ) અને અલગ ધર્મ હોવાને કારણે તેમને જાણ હતી કે, પરિવાર ક્યારેય આ સંબંધને મંજૂરી આપશે નહીં. આખરે, 18 ફેબ્રુઆરીએ બંને અચાનક ગુમ થઈ ગયા હતા. એવી ચર્ચા છે કે, બંનેએ સરહદ પાર નેપાળ જઈને મંદિરમાં ભગવાનને સાક્ષી માનીને એકબીજાને વરમાળા પહેરાવી હતી.
નેપાળ જઈને મંદિરમાં કર્યા લગ્ન
બંને મુઝફ્ફરપુરથી સરહદ પાર કરી નેપાળના જનકપુર પહોંચ્યા હતા. ત્યાંના એક મંદિરમાં રાકેશે શાઈસ્તાના સેંથામાં સિંદૂર ભર્યું અને શાઈસ્તાએ રાકેશના ગળામાં વરમાળા પહેરાવી હતી. લગ્ન બાદ તેમણે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તમને જણાવી દઈએ કે, 60 વર્ષીય રાકેશ સાહ ચાર બાળકોના પિતા અને દાદા પણ છે, તેમ છતાં તેમણે આ સાહસિક પગલું ભર્યું છે. જેવા લગ્નના ફોટા વાયરલ થયા કે તરત જ શાઈસ્તાના પરિવારમાં રોષ જોવા મળ્યો હતો. શાઈસ્તાના ભાઈએ પોલીસમાં રાકેશ સાહ વિરુદ્ધ અપહરણ અને જબરદસ્તી લગ્ન કરવાનો આરોપ લગાવી FIR નોંધાવી છે. શાઈસ્તાના પરિવારનું કહેવું છે કે આ લગ્ન દબાણ હેઠળ અથવા લાલચ આપીને કરવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ બાદ મામલો વધુ ગંભીર બન્યો છે.
શાઈસ્તાએ વીડિયો જાહેર કરી કહ્યું- "મેં મરજીથી લગ્ન કર્યા છે"
વિવાદ વધતા શિક્ષિકા શાઈસ્તા પરવીને સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે, "મેં મારી પોતાની મરજીથી રાકેશ સાહ સાથે લગ્ન કર્યા છે. મારું કોઈએ અપહરણ કર્યું નથી અને હું આ લગ્નથી ઘણી ખુશ છું." તેણે પોલીસ પાસે રક્ષણની પણ માંગ કરી છે, કારણ કે તેને તેના પરિવાર તરફથી જીવનું જોખમ હોવાનું જણાઈ રહ્યું છે.
પોલીસ તપાસ ચાલુ
મુઝફ્ફરપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, બંને પક્ષોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. શાઈસ્તાના નિવેદન બાદ હવે પોલીસ તેની ઉંમર અને લગ્નની કાયદેસરતાની તપાસ કરી રહી છે. હાલમાં સાવચેતીના ભાગરૂપે રાકેશ સાહના ઘરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.




















