logo-img
World News Mexico Drug Lord El Mencho Net Worth Family Succession Plan

મેક્સિકોના કુખ્યાત ડ્રગ માફિયા એલ મેન્ચોનો અંત : 8400 કરોડની સંપત્તિ અને લોહિયાળ સામ્રાજ્યનો હવે કોણ બનશે વારસદાર?

મેક્સિકોના કુખ્યાત ડ્રગ માફિયા એલ મેન્ચોનો અંત
Published by: Offbeat Team
| Last Updated: Feb 23, 2026, 02:30 PM IST

મેક્સિકોના સૌથી ભયાનક ગણાતા ડ્રગ માફિયા નેમેસિયો રુબેન ઓસેગુએરા સર્વેન્ટેસ ઉર્ફે એલ મેન્ચોના ખાતમા બાદ હવે તેની અબજોની માલમિલકત અને પરિવાર પર દુનિયાની નજર મંડાયેલી છે. રવિવારે મેક્સિકન સેનાના એક વિશેષ ઓપરેશન દરમિયાન જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG) ના આ વડાને ઠાર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર દેશમાં હિંસાની જ્વાળાઓ ફાટી નીકળી છે. લાંબા સમય સુધી નશીલા પદાર્થોની હેરાફેરીના આધારે એલ મેન્ચોએ જે કાળું સામ્રાજ્ય ઊભું કર્યું હતું તેના ભાગીદાર કોણ બનશે અને હાલ તેનો પરિવાર ક્યાં છે તે અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

કેટલી છે એલ મેન્ચોની કુલ દોલત?

એલ મેન્ચોની સાચી મિલકતનો આંકડો મેળવવો મુશ્કેલ છે કારણ કે તેની તમામ કમાણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી થયેલી છે. તેમ છતાં 2019માં અમેરિકન એજન્સી DEA દ્વારા એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે તેની પાસે ઓછામાં ઓછી 500 million dollar એટલે કે અંદાજે 4,200 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. આ આંકડો 1 billion dollar એટલે કે આશરે 8,400 કરોડ રૂપિયાને પણ વટાવી શકે છે. મેક્સિકન સરકારના રિપોર્ટ મુજબ તેના કાર્ટેલના કુલ એસેટ્સ 50 billion dollar ની આસપાસ છે જે રિયલ એસ્ટેટ અને મની લોન્ડરિંગ જેવા વ્યવસાયોમાં છુપાયેલા છે.

પત્ની રોસલિન્ડા ગોન્ઝાલેઝની ભૂમિકા

એલ મેન્ચોની પત્ની રોસલિન્ડા ગોન્ઝાલેઝ વેલેન્સિયા 'લા જેફા' તરીકે જાણીતી છે. તે CJNG ના આર્થિક પાસાં સંભાળતા ગ્રુપ સાથે જોડાયેલી હતી. વર્ષ 1996માં લગ્ન કર્યા બાદ 2018માં તેઓ કાયદાકીય રીતે અલગ થઈ ગયા હતા. મની લોન્ડરિંગના આરોપમાં તેને 5 વર્ષની જેલની સજા પણ થઈ હતી પરંતુ સારા વર્તનને કારણે જાન્યુઆરી 2025માં તેને મુક્ત કરવામાં આવી હતી. હાલમાં તેની ચોક્કસ લોકેશનની જાણકારી નથી પરંતુ તે જલિસ્કો વિસ્તારમાં હોવાની શક્યતા છે.

ત્રણ સંતાનો અને વારસાનો જંગ

એલ મેન્ચોના વારસદારો તરીકે તેના ત્રણ સંતાનોના નામ ચર્ચામાં છે:

  • રુબેન ઓસેગુએરા (એલ મેન્ચિટો): એલ મેન્ચોનો પુત્ર જે અગાઉ સંગઠનમાં બીજા ક્રમે હતો. તેને 2024માં અમેરિકામાં ડ્રગ્સ અને હથિયારોના કેસમાં દોષી જાહેર કરાયો હતો અને માર્ચ 2025માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તે હાલ જેલમાં હોવાથી સંગઠનની કમાન સંભાળી શકશે નહીં.

  • જેસિકા જોહાના (લા નેગ્રા): તેની પુત્રી જે રેસ્ટોરન્ટ અને ટકીલાના વ્યવસાયો સંભાળતી હતી. જેલમાંથી છૂટ્યા બાદ પણ તેની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

  • લાઈશા ઓસેગુએરા: સૌથી નાની દીકરી જે અપહરણના કેસમાં વોન્ટેડ છે.

આ ઉપરાંત રોસલિન્ડાના પુત્ર અને એલ મેન્ચોના સાવકા પુત્ર જુઆન કાર્લોસ વેલેન્સિયા ઉર્ફે 'એલ પેલૉન' ને સંગઠનનો નવો વડો બનવા માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. અમેરિકાએ તેની ધરપકડ પર 50 લાખ ડોલરનું ઈનામ રાખેલું છે. એલ મેન્ચોના મૃત્યુ બાદ હવે આ આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કનું ભાવિ શું હશે તે જોવું રહ્યું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now