ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઈસ્ફહાન પ્રાંતમાં એક સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટર ફળના જથ્થાબંધ બજારમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. હેલિકોપ્ટરનો કાટમાળ ઈરાનના પરમાણુ પાવર પ્લાન્ટના ઘર ઈસ્ફહાન પ્રાંતમાં ફેલાયેલો છે.
ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે જોડાયેલી તસ્નીમ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે હેલિકોપ્ટર ઈરાની આર્મીના ઉડ્ડયન એકમનું હતું અને ઇસ્ફહાન પ્રાંતના ખોમેની શાહર કાઉન્ટીના દારચેહ શહેરના ફળ અને શાકભાજી બજાર વિસ્તારમાં ક્રેશ થયું હતું. એજન્સીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના ટેકનિકલ ખામીને કારણે થઈ હતી. આ ઘટનામાં પાઇલટ અને કો-પાઇલટ, બે બજાર વેપારીઓ માર્યા ગયા હતા.
રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે ઈરાનનો હવાઈ સલામતી રેકોર્ડ નબળો છે, વારંવાર ક્રેશ થાય છે, ઘણા વિમાનો 1979ની ઇસ્લામિક ક્રાંતિ પહેલા ખરીદવામાં આવ્યા હતા અને જાળવણી માટે ઓરીજનલ સ્પેરપાર્ટ્સનો અભાવ છે.
ગત અઠવાડિયે, ઈરાનના નિયમિત વાયુસેનાનું યુએસ-નિર્મિત F-4 ફાઇટર જેટ પશ્ચિમ હમાદાન પ્રાંતમાં તાલીમ ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું, જેમાં એક પાઇલટનું મોત થયું હતું.
ઈરાની સમાચાર એજન્સીઓ અહેવાલ આપી રહી છે કે આ અકસ્માત ટેકનિકલ ખામીને કારણે થયો હતો, પરંતુ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે અમેરિકાએ ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી છે.
તમને જણાવી દઈએ કે યુરેનિયમ સંવર્ધન અને પરમાણુ શસ્ત્રો અંગે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. આ મુદ્દા પર વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે નોંધપાત્ર મતભેદો છે.




















