Russia Fuel Shortage: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા યુદ્ધની અસર હવે માત્ર યુદ્ધના મેદાન પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ તેની સીધી અસર રશિયાના સ્થાનિક અર્થતંત્ર અને ઇંધણ પુરવઠા વ્યવસ્થા પર પણ દેખાવા લાગી છે. વિશ્વના સૌથી મોટા ઊર્જા ઉત્પાદક દેશોમાં સામેલ રશિયા આજે પોતાના જ દેશમાં પેટ્રોલ અને ડીઝલની અછતનો સામનો કરી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યારે સામાન્ય નાગરિકો અને વેપારી વર્ગ માટે ઇંધણની ઉપલબ્ધતા મોટો પડકાર બની ગઈ છે.
વિશેષ વાત એ છે કે, વૈશ્વિક સંકટના સમયમાં ભારત સહિત અનેક દેશોને ક્રૂડ ઓઇલની સતત સપ્લાય જાળવી રાખનાર રશિયામાં હવે સ્થાનિક સ્તરે ઇંધણનું સંકટ ઊભું થયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ આ સ્થિતિ સ્વીકારી છે અને જણાવ્યું છે કે યુક્રેન દ્વારા રશિયાની ઓઇલ રિફાઇનરીઓ, તેલ સંગ્રહ કેન્દ્રો અને ઊર્જા સંબંધિત માળખાકીય સુવિધાઓ પર કરવામાં આવેલા ડ્રોન હુમલાઓના કારણે પુરવઠા વ્યવસ્થા પ્રભાવિત થઈ છે.
પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઇનો
રશિયન મીડિયા અહેવાલો અનુસાર દેશના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો જોવા મળી રહી છે. ઇંધણની ઉપલબ્ધતા ઘટતા પરિવહન ક્ષેત્ર, નાના ઉદ્યોગો અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર તેની સીધી અસર પડી રહી છે. રાષ્ટ્રપતિ પુતિને ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં સ્વીકાર્યું હતું કે,સામાન્ય વાહનચાલકો અને વેપારીઓ હજુ પણ ઇંધણની અછતનો સામનો કરી રહ્યા છે. તેમણે સંબંધિત વિભાગોને સ્થિતિ સુધારવા માટે તાત્કાલિક પગલાં ભરવા સૂચના આપી છે.
આ પણ વાંચો: લગ્નની ખરીદીના બહાને સિયાએ કેતન પાસેથી 1 કરોડ લીધા : પછી પ્રેમી સાથે મળી ખીણમાં ધકેલી દીધો
યુક્રેનના હુમલાઓથી વધ્યું સંકટ
રશિયાના મતે તાજેતરમાં યુક્રેન દ્વારા તેલ રિફાઇનરીઓ અને ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને કરવામાં આવેલા ડ્રોન હુમલાઓના કારણે ઉત્પાદન અને સપ્લાય ચેઇન ખોરવાઈ છે. જેના પરિણામે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલન સર્જાયું છે. રશિયા હાલમાં પોતાની અંદાજે 1.7 મિલિયન મેટ્રિક ટન ગેસોલિન અનામતનો ઉપયોગ કરીને પરિસ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે જો સ્થિતિ વધુ ગંભીર બનશે તો સરકારને વધુ કડક પગલાં લેવા પડી શકે છે.
ડીઝલની નિકાસ પર પ્રતિબંધનો વિચાર
સ્થાનિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા માટે રશિયન સરકાર ડીઝલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સંભાવનાઓ પર વિચાર કરી રહી છે. જોકે અગાઉ રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે જણાવ્યું હતું કે, હાલ તાત્કાલિક પ્રતિબંધની જરૂર નથી, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા સરકાર કડક નિર્ણય લઈ શકે છે. ઊર્જા નિષ્ણાતોનું માનવું છે કે, જો રશિયા ડીઝલની નિકાસ પર પ્રતિબંધ મૂકે છે તો તેની અસર વૈશ્વિક બજારો પર પણ પડી શકે છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે.
આ પણ વાંચો: 'આસ્થા પર અમલદારશાહી મંજૂર નહીં' : અયોધ્યામાં નવો વિવાદ! રામમંદિરના વહીવટમાં નૌકરશાહીની દખલ સામે સંતો ભડક્યા
કૃષિ ક્ષેત્રને ઇંધણ પુરવઠા પર ભાર
પુતિને બેઠક દરમિયાન કૃષિ ક્ષેત્રને સતત ઇંધણ પૂરું પાડવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આગામી પાકની લણણી માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ અને અન્ય ઇંધણ ઉપલબ્ધ કરાવવું ખૂબ જ જરૂરી છે. રશિયન સરકાર દ્વારા એક વિશેષ ટાસ્ક ફોર્સ પણ રચવામાં આવી છે, જે દેશભરમાં ઇંધણનું વિતરણ, પુરવઠાની દેખરેખ અને કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે 24 કલાક કાર્યરત છે.
વૈશ્વિક બજાર પર પડી શકે અસર
રશિયા વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ અને ડીઝલ નિકાસકાર દેશોમાંનો એક છે. આવા સમયે દેશમાં જ ઇંધણની અછત સર્જાવાથી વૈશ્વિક ઊર્જા બજારમાં અનિશ્ચિતતા વધી શકે છે. ખાસ કરીને યુરોપ અને એશિયાના દેશો માટે આ પરિસ્થિતિ મહત્વપૂર્ણ બની શકે છે. નિષ્ણાતોના મતે, જો યુદ્ધ લાંબું ખેંચાશે અને ઊર્જા માળખા પર હુમલાઓ ચાલુ રહેશે તો આગામી મહિનાઓમાં રશિયાની અંદર ઇંધણ પુરવઠાની સમસ્યા વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.





