Home National Ayodhya Ram Mandir Trust Ceo Controversy Saints Opposition 2026

'આસ્થા પર અમલદારશાહી મંજૂર નહીં' : અયોધ્યામાં નવો વિવાદ! રામમંદિરના વહીવટમાં નૌકરશાહીની દખલ સામે સંતો ભડક્યા

Ram Mandir CEO Controversy
Image Credit: wikipedia
Published by: Nirali Gohil
Last Updated: Jun 29, 2026, 05:49 AM IST

Ram Mandir CEO Controversy: અયોધ્યાના ભવ્ય રામમંદિરને લઈને એક તરફ ભક્તોમાં શ્રદ્ધા અને આસ્થા વધતી જઈ રહી છે, ત્યારે બીજી તરફ મંદિરના વહીવટ અને ટ્રસ્ટના પુનર્ગઠનને લઈને નવો વિવાદ ઊભો થયો છે. તાજેતરમાં ચઢાવા સંબંધિત ગેરરીતિઓના આક્ષેપો વચ્ચે હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચનામાં ફેરફાર અને વહીવટી માળખાને લઈને સંત સમાજ અને ટ્રસ્ટ સાથે જોડાયેલા વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામમંદિરના સંચાલનને વધુ વ્યવસ્થિત બનાવવા માટે આઈએએસ કક્ષાના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ની નિમણૂક કરવાની હિમાયત કરી હોવાનું સામે આવ્યું છે. જોકે આ પ્રસ્તાવને અયોધ્યાના સંત સમાજે ખુલ્લેઆમ નકારી કાઢ્યો છે. રવિવારે મહંત નૃત્યગોપાલ દાસના જન્મોત્સવ સમારોહના અંતિમ દિવસે દેશભરમાંથી આવેલા સંતોએ ધ્વનિ મતથી અમલદારશાહી વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

"રામમંદિરને કોર્પોરેટ સંસ્થા ન બનાવો": સંત સમાજ

હનુમત નિવાસના મહંત અને મુખ્ય વક્તા આચાર્ય મિથિલેશ નંદિની શરણે વ્યાસપીઠ પરથી જણાવ્યું કે અયોધ્યાનું રામમંદિર સંતો અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે, તેને સરકારી અમલદારો દ્વારા સંચાલિત સંસ્થા તરીકે જોવું યોગ્ય નથી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સંબોધતા કહ્યું કે જો ટ્રસ્ટમાં પુનર્ગઠન કરવાની જરૂર હોય તો તે કરી શકાય, પરંતુ તેમાં તમામ વર્ગોના પ્રતિનિધિઓને સ્થાન મળવું જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રામમંદિરને સત્તાનું કેન્દ્ર કે કોર્પોરેટ મોડલ પર ચાલતી સંસ્થા બનાવવાનો પ્રયાસ ન થવો જોઈએ.

આ પણ વાંચો: રામ મંદિર દાન કેસમાં SITનું મોટું એક્શન : રૂ. 80 લાખની વસૂલાત બાદ 8 આરોપીના ઘર પર દરોડા

સંત સમાજના કેટલાક પ્રતિનિધિઓએ એવો પણ અભિપ્રાય વ્યક્ત કર્યો કે સરકારી અધિકારીઓ ધર્મનિરપેક્ષ બંધારણીય જવાબદારીઓ નિભાવતા હોય છે, તેથી મંદિર જેવા ધાર્મિક કેન્દ્રોના સંચાલનમાં પરંપરાગત સંત સમાજની ભૂમિકા જાળવવી જરૂરી છે.

ચંપત રાયના રાજીનામાને લઈને ચર્ચાઓ તેજ

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના સંભવિત રાજીનામાને લઈને પણ અયોધ્યામાં ચર્ચાઓ ગરમાઈ રહી છે. જોકે અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વિવિધ વર્તુળોમાં આ મુદ્દે અટકળો ચાલી રહી છે. સંતોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, જો રાજીનામું આપવામાં આવ્યું હોય તો તેની સત્તાવાર માહિતી જાહેર કેમ કરવામાં આવી નથી. ઉપરાંત સામાન્ય પ્રક્રિયા મુજબ ટ્રસ્ટના અધ્યક્ષને રાજીનામું સોંપવાને બદલે અન્ય હોદ્દેદારને સોંપવાના મુદ્દે પણ સવાલો ઊભા થયા છે.

કરણી સેનાના નૃપેન્દ્ર મિશ્રા સામે આક્ષેપ

આ સમગ્ર વિવાદમાં હવે કરણી સેનાની પણ એન્ટ્રી થઈ છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજ પાલ અમ્મુએ પત્રકાર પરિષદ યોજીને નૃપેન્દ્ર મિશ્રા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, મંદિર નિર્માણ દરમિયાન વપરાયેલા પથ્થરો અને અન્ય સામગ્રીની ખરીદી અને વહીવટમાં પણ પારદર્શિતાને લઈને પ્રશ્નો ઉભા થયા છે. તેમણે માંગ કરી હતી કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને સંબંધિત તમામ લોકોને તપાસના દાયરામાં લાવવામાં આવે. જો કે, આ આક્ષેપોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને ટ્રસ્ટ તરફથી પણ આ અંગે હજુ સુધી કોઈ વિગતવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં આજે મોટો દિવસ : 8 આરોપીઓના ઘરે એકસાથે દરોડા, લાખો રૂપિયાની રોકડ જપ્ત


11 જુલાઈની બેઠકમાં થઈ શકે છે મોટા નિર્ણયો

સૂત્રો મુજબ આગામી 11 જુલાઈએ યોજાનારી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ટ્રસ્ટના માળખામાં ફેરફાર, નાણાકીય પારદર્શિતા વધારવા માટે નવા નિષ્ણાતોની નિમણૂક અને વહીવટી

પ્રક્રિયાઓમાં સુધારાને લઈને નિર્ણયો લેવાઈ શકે છે.

બેંકિંગ, ફાઇનાન્સ, મેનેજમેન્ટ અને આઈટી ક્ષેત્રના વ્યાવસાયિકોને ટ્રસ્ટના સંચાલનમાં જોડવાની સંભાવનાઓ પણ ચર્ચામાં છે. સાથે જ હાલની આઉટસોર્સિંગ વ્યવસ્થાની સમીક્ષા કરીને અનેક સેવાઓ સીધી ટ્રસ્ટના નિયંત્રણ હેઠળ લાવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર વિવાદ વચ્ચે સંત સમાજ, ટ્રસ્ટ અને સરકારના આગામી પગલાં પર સૌની નજર ટકેલી છે, કારણ કે અયોધ્યાનું રામમંદિર માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં પરંતુ કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતિક પણ છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now