Home National Ketan Agarwal Lohagad Fort Murder Case Pune Siya Goyal Chetan Chaudhary

Ketan Agarwal Caseબૂટની દોરી બાંધવાના બહાને બેસી ગઈ... પછી પાછળથી આવ્યો ચેતન : લોહગઢ કેસમાં પોલીસનો ચોંકાવનારો દાવો, હત્યા પહેલાં થયું હતું મિનિટ-ટુ-મિનિટ પ્લાનિંગ

Ketan Agarwal Case
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 29, 2026, 05:59 AM IST

Ketan Agarwal Case : પુણેના ચકચારી કેતન અગ્રવાલ મર્ડર કેસે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. શરૂઆતમાં જેને માત્ર એક સામાન્ય અકસ્માત ગણવામાં આવી રહ્યો હતો, તે વાસ્તવમાં એક પૂર્વઆયોજિત અને ક્રૂર હત્યાકાંડ હોવાનું બહાર આવ્યું છે. કેતનની પોતાની મંગેતર સિયા ગોયલે તેના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને આ આખું ષડયંત્ર રચ્યું હતું. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને કાવતરાના એક પછી એક ચોંકાવનારા સ્તરો ખોલ્યા છે.

હત્યાનું ભયાનક કાવતરું

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, 18 જૂનના રોજ લોહગઢ કિલ્લા પર સિયા ગોયલે એક સુનિયોજિત પ્લાન હેઠળ કામ કર્યું હતું. કિલ્લા પર ચડતી વખતે તેણે પાણી પીવાના અથવા તો બૂટની દોરી બાંધવાના બહાને નીચે બેસી જવાનો નાટક કર્યો હતો. સિયાનું આ રીતે નીચે બેસવું એ પાછળ આવી રહેલા તેના પ્રેમી ચેતન ચૌધરી માટે એક ઇશારો હતો. સિયા નીચે બેસી ગઈ જેથી કેતન જ્યારે ખાઈમાં પડે ત્યારે તે બચવા માટે સિયાનો હાથ ન પકડી શકે. ઇશારો મળતા જ ચેતને પાછળથી આવીને કેતનને ઊંડી ખાઈમાં ધક્કો મારી દીધો હતો. આ ઘટનાના એક દિવસ પહેલા એટલે કે 17 જૂને પુણેના લુલ્લાનગરના એક કેફેમાં બંનેએ બેસીને આખી હત્યાનું સ્કેચ તૈયાર કર્યું હતું. તેઓ પહેલા પણ લોહગઢ કિલ્લા પર આવ્યા હતા અને હત્યા માટે યોગ્ય જગ્યા પસંદ કરીને તેનું રિહર્સલ પણ કર્યું હતું.

ટોલ ટેક્સથી બચવા સ્કૂટરનો ઉપયોગ

આરોપી ચેતન ચૌધરી ખૂબ જ શાતિર મગજનો છે. પોલીસ લોકેશન ટ્રેક ન કરી શકે તે માટે તેણે કારનો ઉપયોગ કરવાને બદલે સ્કૂટર પસંદ કર્યું હતું. તે પુણેથી લગભગ 90 કિલોમીટર દૂર આવેલા લોહગઢ કિલ્લા સુધી સ્કૂટર ચલાવીને પહોંચ્યો હતો, જેથી કોઈપણ ટોલ પ્લાઝા પર તેની ગાડીનો નંબર કે સીસીટીવી રેકોર્ડ ન બને. કિલ્લા પર ચડતી વખતે ઓળખ છુપાવવા માટે તેણે જાડું હૂડી પહેર્યું હતું. ત્યાં પહોંચ્યા પછી તેણે હૂડી ઉતારી દીધી અને કાળા ટી-શર્ટમાં આવી ગુનાને અંજામ આપ્યો હતો. હત્યા કર્યા પછી પાછા ફરતી વખતે તેણે ફરીથી હૂડી પહેરી લીધી અને તે જ સ્કૂટર પર પુણે ભાગી ગયો હતો. પોલીસે હાલમાં આ સ્કૂટર જપ્ત કરી લીધું છે.

આ પણ ખાસ વાંચો : બાલી ટ્રિપ પહેલાં જ રચાયું હતું કેતનના મર્ડરનું કાવતરું? : કારમાં શું થયું? ડ્રાઈવરે કર્યો ચોંકાવનારો ખુલાસો

વકીલની દલીલ અને કાનૂની ગૂંચ

આ મામલે સિયા ગોયલના વકીલ આશુતોષ શ્રીવાસ્તવે કોર્ટમાં બચાવ પક્ષ રજૂ કર્યો છે. વકીલના જણાવ્યા અનુસાર, પોલીસ કસ્ટડીમાં આરોપીએ આપેલું કોઈપણ નિવેદન કોર્ટમાં કાયદેસરનો પુરાવો ગણાતું નથી. તેમણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે કે જે કેસને પહેલા માત્ર એક અકસ્માત માનવામાં આવતો હતો, તેને અચાનક હત્યાનો કેસ કેવી રીતે બનાવી દેવાયો? વકીલનું કહેવું છે કે પોલીસે સિયાની પૂછપરછ કરવા માટે પૂરતો સમય લીધો છે, તેથી હવે તેને વધુ પોલીસ રિમાન્ડમાં રાખવાની કોઈ જરૂર નથી.

ગૂગલ સર્ચ અને પરિવારની પૂછપરછ

પોલીસને તપાસ દરમિયાન ડિજિટલ પુરાવા પણ મળ્યા છે. સિયા અને ચેતને ગુનો કરતાં પહેલા ગૂગલ પર લોહગઢ કિલ્લાના સૌથી જોખમી 'ડેથ પોઇન્ટ્સ' સર્ચ કર્યા હતા. એટલું જ નહીં, તેમણે ઇન્ટરનેટ પર 'ડેથ પોઇન્ટ અને ઝેર આપીને કેવી રીતે મારવું, જેથી પોલીસને શંકા ન થાય' તેવા ચોંકાવનારા પ્રશ્નો પણ સર્ચ કર્યા હતા. આ કેસની ગંભીરતાને જોતા પોલીસે શનિવારે સિયા ગોયલના માતા-પિતાની સતત 12 કલાક સુધી પૂછપરછ કરી હતી, જ્યારે તે પહેલા ગુરુવારે સિયાના ભાઈની પણ 10 કલાક સુધી આકરી પૂછપરછ કરવામાં આવી હતી.

હત્યાના દિવસનું મિનિટ-ટુ-મિનિટ પ્લાનિંગ

18 જૂનના રોજ કેતનની હત્યા કરવા માટે આરોપીઓએ 10 કલાકથી વધુ સમયનું ચોક્કસ પ્લાનિંગ કર્યું હતું:

સવારે 7:00 વાગ્યે : ચેતને પોતાનું લોકેશન છુપાવવા અને ટ્રેકિંગથી બચવા માટે મોબાઈલ ડેટા બંધ કરી દીધો.

સવારે 8:00 વાગ્યે : ચેતને પોતાનો પર્સનલ ફોન પોતાની દુકાન પર જ છોડી દીધો અને કર્મચારીઓને સૂચના આપી કે જે પણ કોલ આવે તે તેઓ જ રિસીવ કરે, જેથી તે પુણેમાં જ હોવાનો આભાસ થાય.

બપોરે 12:00 વાગ્યે : રસ્તામાં તે પોતાના કર્મચારીના મોબાઈલનો ઉપયોગ કરતો રહ્યો, જેથી જરૂરી વાતચીત થઈ શકે અને તેનું ઓરિજિનલ લોકેશન પકડાય નહીં.

બપોરે 2:00 વાગ્યે : પોતાની ઓળખ છુપાવવા માટે ચેતન 33 ડિગ્રી સેલ્સિયસની કાળઝાળ ગરમીમાં પણ જાડું વિન્ટર હૂડી પહેરીને કિલ્લા પર પહોંચી ગયો.

બપોરે 2:30 વાગ્યે : વિંછુ કાંટા રિજ પાસે એક સુનસાન ખડક પર પહોંચતા જ સિયા નીચે બેસી ગઈ, જે પૂર્વઆયોજિત સંકેત હતો. ત્યાર બાદ ચેતને પાછળથી આવીને કેતનને ઊંડી ખાઈમાં ધક્કો મારી દીધો.

સાંજે 5:40 વાગ્યે : અંદાજે 10 કલાક અને 40 મિનિટ સુધી સંપૂર્ણપણે ઓફલાઇન રહ્યા પછી ચેતને ફરીથી પોતાનું ઇન્ટરનેટ ચાલુ કર્યું હતું.

આ પણ ખાસ વાંચો : સિયા અને ચેતનની લવ સ્ટોરીનું ક્રિકેટ કનેક્શન! : સોશિયલ મીડિયા નહીં, ક્રિકેટના મેદાનમાં થઈ હતી બંનેની ઓળખાણ

તપાસ અને ધરપકડની ટાઈમલાઈન

18 જૂને બનેલી આ ઘટનાના માત્ર 6 દિવસની અંદર પોલીસે બંને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ બંને આરોપીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે અને પોતાને નિર્દોષ બતાવી રહ્યા છે. આ કેસની ક્રમિક ટાઈમલાઈન નીચે મુજબ છે:

18 જૂન : લોહગઢ કિલ્લા પરથી કેતનને ધક્કો મારી દેવાયો. મંગેતર સિયાએ તેને અકસ્માત ગણાવ્યો.

21 જૂન : કેતનના પિતા વિશાલ અગ્રવાલ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાવ્યો.

23 જૂન : ક્રાઈમ બ્રાન્ચે શંકાના આધારે ચેતનને કસ્ટડીમાં લીધો અને બાદમાં સિયાની પણ ધરપકડ થઈ.

25 જૂન : પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેમાં ચેતન 33 ડિગ્રી ગરમીમાં હૂડી પહેરેલો જોવા મળ્યો.

26 જૂન : હત્યાના એક દિવસ પહેલાનો સિયા અને ચેતનનો પુણેના કેફેનો સીસીટીવી વીડિયો સામે આવ્યો. સિયાની માતાએ નિવેદન આપ્યું કે જો તેમની દીકરી દોષિત હોય તો તેને પણ કિલ્લા પરથી નીચે ફેંકી દેવી જોઈએ.

27 જૂન : સિયા અને ચેતનનો મહારાષ્ટ્ર ક્રિકેટ લીગનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો.

28 જૂન : પોલીસ બંને આરોપીઓને લોહગઢ કિલ્લે લઈ ગઈ અને ડમી ફેંકીને ક્રાઈમ સીનનું રિક્રિએશન કર્યું.

અગાઉ કરવામાં આવેલા હત્યાના પ્રયાસો

આ અગાઉ પણ સિયાએ કેતનને રસ્તામાંથી હટાવવાના અનેક પ્રયાસો કર્યા હતા. 11 ફેબ્રુઆરીએ બંનેની સગાઈ થઈ હતી. કેતનને ટ્રેકિંગનો શોખ હોવાથી સિયાને 31 મેના રોજ લોહગઢ કિલ્લા પર જ હત્યા કરવાનો આઈડિયા આવ્યો હતો. 5 જૂને સિયાએ ફરી કિલ્લા પર જવાની જીદ કરી પણ કેતન ન ગયો. 6 જૂને બંનેની બાલી જવાની ટિકિટ બુક હતી, પણ સિયાને ત્યાં જવું નહોતું એટલે તેણે કેતનનો પાસપોર્ટ જ સંતાડી દીધો હતો. ત્યારબાદ 14 જૂને સિયા કેતનને કિલ્લા પર લઈ ગઈ અને ત્યાં તેને ધક્કો માર્યો, પરંતુ સદનસીબે કેતન એક ઝાડના ટેકે બચી ગયો. ત્યારે સિયાએ બહાનું બનાવ્યું કે ત્યાં સાપ હતો અને તેને બચાવવા માટે તેણે ધક્કો માર્યો હતો. અંતે 18 જૂને પ્રી-વેડિંગ ફોટોશૂટના બહાને બોલાવીને ત્રીજા પ્રયાસમાં તેની હત્યા કરી દેવામાં આવી.

પોલીસને મળેલા મુખ્ય 3 પુરાવા

આરોપીઓ ગમે તેટલા સ્માર્ટ બનવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ પોલીસે આ 3 મુખ્ય પુરાવાઓની મદદથી તેમનો પર્દાફાશ કર્યો:

પહેલો પુરાવો : 21 જૂને જ્યારે સિયા કેતનના ઘરે ગઈ ત્યારે કેતનની બહેને પૂછ્યું કે કેતન નીચે કેવી રીતે પડ્યો? આ સવાલ સાંભળતા જ સિયાના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા, જેનાથી પરિવારને શંકા ગઈ.

બીજો પુરાવો : સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ 33 ડિગ્રીની ભયંકર ગરમીમાં પણ જાડું વિન્ટર હૂડી પહેરીને જતી દેખાઈ, જે ચેતન ચૌધરી હતો. આ અકુદરતી બાબતે પોલીસની શંકા મજબૂત કરી.

ત્રીજો પુરાવો : કોલ ડિટેઇલ્સ (CDR) તપાસતા જાણવા મળ્યું કે જાન્યુઆરી મહિનાથી લઈને 18 જૂનની સવાર સુધીમાં સિયાએ એક જ નંબર પર 2004 વખત કોલ કર્યા હતા અને આશરે 238 કલાક વાતચીત કરી હતી, જે નંબર ચેતનનો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now