પુણેમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં 20 વર્ષની યુવતીએ પોતાના પ્રેમી સાથે મળીને મંગેતરની નિર્મમ હત્યા કરી નાખી.
પૂણેના 26 વર્ષના રિયલ એસ્ટેટ વેપારી (રિયલ્ટર) કેતન અગ્રવાલની હત્યાના કેસમાં પોલીસ તપાસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, કેતનની મંગેતર સિયા ગોયલ (ઉંમર 20) અને તેના પ્રેમી ચેતન ચૌધરી (ઉંમર 22) એ સાથે મળીને આ આખી હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ બંને આરોપીઓની હવે ધરપકડ કરી લેવામાં આવી છે.
લગ્નની ખરીદીના નામે 1 કરોડની છેતરપિંડી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સિયા ગોયલે લગ્નની તૈયારીઓ અને ખરીદીના બહાને કેતન અગ્રવાલ(Ketan Agrawal) પાસેથી આશરે 1 કરોડ રૂપિયા લીધા હતા. કેતને આ રકમ સિયાને ભરોસા સાથે આપી હતી. પરંતુ સિયાએ આ આખી રકમ તેના પ્રેમી ચેતન ચૌધરીને આપી દીધી, જેથી ચેતન તેના કરિયર અને બિઝનેસને સેટ કરી શકે. ચેતનની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેણે સિયાને કહ્યું હતું કે તેને સ્થિર થવામાં ઓછામાં ઓછા 3 વર્ષ લાગશે.
3 વર્ષ પછી લગ્ન કરવાનો હતો પ્લાન
બંને આરોપીઓએ એવો પ્લાન બનાવ્યો હતો કે કેતનની હત્યા કર્યા પછી સિયા 3 વર્ષ સુધી લગ્ન નહીં કરે જેથી કોઈને શંકા ન જાય. જ્યારે ચેતન આર્થિક રીતે મજબૂત થઈ જશે અને આ મામલો શાંત પડી જશે, ત્યારે તેઓ લગ્ન કરી લેશે. સિયાના પરિવારવાળા પણ આ લગ્ન માટે તૈયાર થઈ જાય તે માટે આ સમયગાળો નક્કી કરાયો હતો.
લોહગઢ કિલ્લા પર 'બેસવાનો' સંકેત અને હત્યા
18 જૂનના રોજ સિયા અને કેતન પૂણે નજીક આવેલા લોહગઢ કિલ્લા પર ફરવા ગયા હતા. પ્લાન મુજબ ચેતન પણ ત્યાં પહોંચી ગયો હતો. સિયાએ ચેતનને ઈશારો કરવા માટે કિલ્લા પર નીચે બેસવાનું નક્કી કર્યું હતું. તે પાણી પીવા અથવા શૂઝની દોરી બાંધવાના બહાને નીચે બેસી ગઈ.
પોલીસે જણાવ્યું કે નીચે બેસવાનો પ્લાન એટલે રાખવામાં આવ્યો હતો જેથી જ્યારે ચેતન આવીને કેતનને ખીણમાં ધકેલે, ત્યારે કેતન બચવા માટે સિયાનો હાથ ન પકડી લે. જો કેતન સિયાને પકડી લેત તો સિયા પણ ખીણમાં પડી જાત. પોતાની સુરક્ષા માટે સિયાએ આ સંકેત પસંદ કર્યો હતો. સિયાના બેસતા જ ચેતને પાછળથી આવીને કેતનને ઊંડી ખીણમાં ધકેલી દીધો.
પકડાઈ જવાનો ડર: કાર છોડી સ્કૂટરનો ઉપયોગ કર્યો
ચેતન આ ગુનામાં ક્યાંય પકડાઈ ન જાય તે માટે તેણે ખૂબ સાવચેતી રાખી હતી. તે પૂણેથી લોહગઢ કિલ્લા સુધીનું આશરે 90 કિલોમીટરનું અંતર કારના બદલે સ્કૂટર પર કાપીને ગયો હતો. તેને ડર હતો કે જો તે કાર લઈને જશે તો ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરામાં તેની ગાડી પકડાઈ જશે. પોલીસે હવે આ સ્કૂટર જપ્ત કરી લીધું છે.
હત્યાના 34 મિનિટ પહેલા 'સિક્રેટ કોલ'
પોલીસને તપાસ દરમિયાન બંનેના કોલ ડિટેલ્સ રેકોર્ડ (CDR) મળ્યા છે. આ રેકોર્ડ મુજબ, કેતનને ખીણમાં ધકેલવાના બરાબર 34 મિનિટ પહેલા સિયા અને ચેતન વચ્ચે એક ગુપ્ત ફોન પર વાતચીત થઈ હતી. આ ફોન કોલ હત્યાના પ્લાનને આખરી મંજૂરી આપવા માટે કરવામાં આવ્યો હતો.
14 જૂનનો પહેલો નિષ્ફળ પ્રયાસ અને સાપની વાર્તા
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ હત્યાનો પ્લાન મે મહિનાના અંતમાં જ બની ગયો હતો. સિયાએ 14 જૂનના રોજ પણ કેતનને ખીણમાં ધકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારે કેતને એક ઝાડી પકડી લીધી અને તેનો જીવ બચી ગયો હતો. તે સમયે સિયાએ ખોટી વાર્તા બનાવી દીધી કે ત્યાં સાપ આવ્યો હતો અને અચાનક ડરના માર્યા તેનો ધક્કો લાગી ગયો હતો. પરંતુ 18 જૂનના બીજા પ્રયાસમાં ચેતન પોતે કિલ્લા પર હાજર રહ્યો અને કેતન બચી શક્યો નહીં. હાલ પોલીસ આ મામલે વધુ પુરાવા એકઠા કરી રહી છે.





