Home National Ram Mandir Donation Case Ayodhya Police Raids Eight Accused

રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં આજે મોટો દિવસ : 8 આરોપીઓના ઘરે એકસાથે દરોડા, લાખો રૂપિયાની રોકડ જપ્ત

Ram mandir
Published by: Suman Dabhi
Last Updated: Jun 28, 2026, 04:55 AM IST

Ram mandir donation case: અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે જોડાયેલા કથિત દાન ગેરરીતિ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે તપાસ વધુ તેજ કરી છે. રવિવારે ટીનુ યાદવ સહિત આઠેય આરોપીઓના ઘરે એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આરોપીઓના પરિવારજનોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.

આઠ આરોપીઓના ઘર પર એકસાથે દરોડા

પોલીસે રામશંકર યાદવ ઉર્ફે ટીનુ યાદવ, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, રામશંકર મિશ્રા, સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ અને કમલેશ પાંડે સહિત તમામ આરોપીઓના નિવાસસ્થાન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તપાસ દરમિયાન ઘરમાંથી મળેલા દસ્તાવેજો, બેંક સંબંધિત માહિતી અને મિલકતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

અહેવાલો મુજબ તપાસ દરમિયાન અંદાજે ₹79.85 લાખ જેટલી રોકડ જપ્ત કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે, આ રકમ અંગેની સત્તાવાર પુષ્ટિ તપાસ એજન્સીઓ તરફથી થવાની બાકી છે.

પરિવારજનોની પૂછપરછ, સંપત્તિની પણ તપાસ

દરોડા દરમિયાન પોલીસ આરોપીઓના પરિવારના સભ્યોના નિવેદનો પણ નોંધશે. તપાસ અધિકારીઓ આરોપીઓની આવક, સંપત્તિ અને દાનની રકમ સાથે સંકળાયેલા દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છે. તપાસમાં કોઈ કડી છૂટી ન જાય તે માટે દરેક પાસાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

SITની પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું?

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની પ્રાથમિક તપાસમાં દાન અને પ્રસાદના સંચાલનમાં અનેક ગંભીર ગેરરીતિઓ સામે આવી હોવાનું કહેવાય છે. તપાસ દરમિયાન રોકડ ગણતરી પ્રક્રિયામાં સુરક્ષા વ્યવસ્થાના નિયમોનું યોગ્ય રીતે પાલન ન થતું હોવાના સંકેતો મળ્યા છે.

તપાસમાં સીસીટીવી ફૂટેજનું લાંબા સમય સુધી સંરક્ષણ, ગણતરી રૂમમાં પ્રવેશ-નિર્ગમન પર દેખરેખ અને સુરક્ષા ગાર્ડની ફરજ જેવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ના પાલન અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.

ટીનુ યાદવ પાસે હતી દાન પેટીઓની ચાવીઓ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવના પૂર્વ ડ્રાઇવર રામશંકર યાદવ ઉર્ફે ટીનુ યાદવ પાસે મંદિરની અનેક દાન પેટીઓ (હુંડી)ની ચાવીઓ હતી. તપાસ એજન્સીઓ હવે આ ચાવીઓનો ઉપયોગ કેવી રીતે થયો અને દાનની રકમમાં કથિત ગેરરીતિ કેવી રીતે થઈ તેની વિગતવાર તપાસ કરી રહી છે.

જો કે, દાનની રકમની કથિત ઉચાપત કેવી રીતે કરવામાં આવી હતી તે અંગે તપાસ હજુ ચાલુ છે અને અંતિમ નિષ્કર્ષ આવવાનો બાકી છે.

ટ્રસ્ટ તરફથી પણ આવશે સ્પષ્ટતા

આ કેસને લઈને શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદાનંદ સરસ્વતી આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધે તેવી શક્યતા છે. તેઓ દાનની વ્યવસ્થા, તપાસ અને ટ્રસ્ટના પક્ષ અંગે પોતાની સ્પષ્ટતા રજૂ કરી શકે છે.

આ પણ વાંચો: હવે જોખમમાં નહીં રહે મહિલાઓ! : એક એપથી એક અવાજે પોલીસ થશે એલર્ટ, લાઈવ વીડિયો સાથે પોલીસ સુધી પહોંચશે SOS

દાનના સંચાલન અંગે ઉઠેલા પ્રશ્નોને કારણે આ કેસ ચર્ચાના કેન્દ્રમાં

દેશના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંના એક શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે જોડાયેલા દાનના સંચાલન અંગે ઉઠેલા પ્રશ્નોને કારણે આ કેસ ચર્ચાના કેન્દ્રમાં છે. તપાસ એજન્સીઓ દાનની રકમના સંચાલનમાં કોઈ ગેરરીતિ થઈ હતી કે નહીં તેની તમામ પાસાઓથી તપાસ કરી રહી છે. અંતિમ નિર્ણય તપાસ પૂર્ણ થયા બાદ અને સંબંધિત કોર્ટની કાર્યવાહી અનુસાર જ સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now