દેશભરના લાખો ઘર ખરીદનારાઓ માટે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અને રાહતરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો બિલ્ડર દ્વારા નક્કી કરેલી સમયમર્યાદામાં ફ્લેટ કે મકાનનો કબજો (Possession) આપવામાં ન આવ્યો હોય તો ખરીદનારને મકાનનો કબજો મળી ગયા બાદ પણ વિલંબ બદલ વળતર (Compensation) માંગવાનો સંપૂર્ણ કાયદાકીય અધિકાર છે. માત્ર ફ્લેટની ચાવી સ્વીકારી લેવાથી ગ્રાહકનો વળતર મેળવવાનો અધિકાર સમાપ્ત થઈ જતો નથી.
આ ચુકાદો એવા હજારો ઘર ખરીદનારાઓ માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે, જેમના કેસ હાલમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) અથવા ગ્રાહક સુરક્ષા આયોગોમાં પેન્ડિંગ છે. ખાસ કરીને એવા કેસોમાં, જ્યાં ખરીદદારે સંપૂર્ણ અથવા મોટાભાગની રકમ ચૂકવી હોવા છતાં બિલ્ડરે વર્ષો સુધી પઝેશન આપવામાં વિલંબ કર્યો હોય.
2016નો નિર્ણય રદ કર્યો
સુપ્રીમ કોર્ટે વર્ષ 2016માં રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ (NCDRC) દ્વારા આપવામાં આવેલા નિર્ણયને રદ કર્યો છે. તે સમયે કમિશને કહ્યું હતું કે ખરીદદારે કોઈ વિરોધ વિના ફ્લેટનો કબજો સ્વીકારી લીધો હોવાથી હવે તે ગ્રાહક તરીકે વળતર માંગવાનો હકદાર નથી. સુપ્રીમ કોર્ટે આ દલીલને નકારી કાઢતા જણાવ્યું કે પઝેશન સ્વીકારવું અને વિલંબ બદલ વળતર માંગવું – બંને અલગ કાયદાકીય મુદ્દા છે. જો બિલ્ડરે કરાર મુજબ સમયસર ફ્લેટ ન આપ્યો હોય તો તે વિલંબ માટે જવાબદાર રહેશે અને ગ્રાહકને નુકસાનની ભરપાઈ માગવાનો અધિકાર રહેશે.
આ પણ વાંચો: હવે જોખમમાં નહીં રહે મહિલાઓ! : એક એપથી એક અવાજે પોલીસ થશે એલર્ટ, લાઈવ વીડિયો સાથે પોલીસ સુધી પહોંચશે SOS
20 વર્ષ જૂના કેસમાં હોમબાયરને ન્યાય
આ કેસ દિલ્હીની એક કોઓપરેટિવ ગ્રુપ હાઉસિંગ સોસાયટી સાથે જોડાયેલો હતો. એક હોમબાયરે વર્ષ 2003માં સોસાયટીનું સભ્યપદ લઈને ફ્લેટ બુક કર્યો હતો. કરાર મુજબ સમયસર ફ્લેટનો કબજો મળ્યો ન હોવાથી તેણે વર્ષ 2005માં જિલ્લા ગ્રાહક આયોગમાં ફરિયાદ દાખલ કરી હતી અને વિલંબ બદલ વળતરની માંગ કરી હતી.
આ કેસ જિલ્લા ગ્રાહક આયોગથી શરૂ થઈ આર્બિટ્રેશન, રાજ્ય ગ્રાહક આયોગ અને અંતે રાષ્ટ્રીય ગ્રાહક આયોગ સુધી પહોંચ્યો. વર્ષ 2016માં NCDRCએ ફરિયાદ ફગાવી દીધી હતી. જોકે ત્યારબાદ ખરીદદારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. લગભગ બે દાયકાની લાંબી કાનૂની લડાઈ બાદ હવે સુપ્રીમ કોર્ટે હોમબાયરના પક્ષમાં ચુકાદો આપીને મહત્વપૂર્ણ કાનૂની સિદ્ધાંત સ્થાપિત કર્યો છે.
આર્બિટ્રેશન કલોઝ હોવા છતાં ગ્રાહક કમિશનમાં જઈ શકાશે
સુપ્રીમ કોર્ટે વધુ એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરતાં કહ્યું કે જો બિલ્ડર અને ખરીદનાર વચ્ચેના એગ્રીમેન્ટમાં આર્બિટ્રેશનની જોગવાઈ હોય તો પણ તે ગ્રાહકને ગ્રાહક સુરક્ષા આયોગમાં ફરિયાદ કરવાનો અધિકાર છીનવી શકતી નથી. એટલે કે ગ્રાહક ઇચ્છે તો સીધો ગ્રાહક કમિશનનો દરવાજો ખખડાવી શકે છે. કોર્ટના આ અવલોકનથી બિલ્ડરો દ્વારા આર્બિટ્રેશનની શરતનો આશરો લઈને ગ્રાહકોને લાંબી કાનૂની પ્રક્રિયામાં ધકેલવાની પ્રથા પર પણ અસર પડી શકે છે.
આ પણ વાંચો: પાકિસ્તાનના કરાચીમાં મોટો આતંકી હુમલો : પેરામિલિટ્રી હેડક્વાર્ટરને નિશાન બનાવાયું, 4 જવાનોના મોતનો દાવો
લાખો હોમબાયર્સ માટે રાહત
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સમયસર પઝેશન ન મળવાની ફરિયાદો સામાન્ય બની ગઈ છે. અનેક પ્રોજેક્ટ વર્ષો સુધી વિલંબિત રહેતા હોવાથી ખરીદદારોને એક તરફ હોમ લોનની EMI અને બીજી તરફ ભાડાનું દ્વિગુણું આર્થિક ભારણ સહન કરવું પડે છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી આવા ખરીદદારોને કાનૂની રીતે વળતર મેળવવાનો માર્ગ વધુ મજબૂત બન્યો છે. કાનૂની નિષ્ણાતોના મતે આ ચુકાદો ભવિષ્યમાં RERA અને ગ્રાહક આયોગોમાં ચાલી રહેલા હજારો કેસોમાં માર્ગદર્શક સાબિત થઈ શકે છે. સાથે જ બિલ્ડરો પર સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરીને પઝેશન આપવાનું દબાણ પણ વધશે.





