તાજેતરમાં ભારતમાં પાસપોર્ટ અને નાગરિકતાને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે પાસપોર્ટ નાગરિકતાનો અંતિમ પુરાવો નથી, પરંતુ તે વિદેશ પ્રવાસ માટેનું સત્તાવાર દસ્તાવેજ છે. ત્યારથી લોકોમાં એ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે કે જો આજે આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજોની અલગ-અલગ ભૂમિકા છે, તો સદીઓ પહેલાં, ખાસ કરીને મુગલ શાસન દરમિયાન, કોઈ વ્યક્તિ પોતાની ઓળખ અથવા પોતાના વિસ્તાર સાથેનો સંબંધ કેવી રીતે સાબિત કરતો હશે?
ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર, મુગલ યુગમાં આજની જેમ "નાગરિકતા" (Citizenship)ની કોઈ કાનૂની અથવા બંધારણીય કલ્પના જ નહોતી. તે સમયના લોકો કોઈ દેશના નાગરિક તરીકે નહીં પરંતુ શાસકની પ્રજાના રૂપમાં ઓળખાતા હતા. વ્યક્તિની ઓળખ તેના ધર્મ, જાતિ, વ્યવસાય, કુટુંબ અને ગામ સાથે જોડાયેલી રહેતી હતી. રાજ્ય માટે સૌથી મહત્વની બાબત વ્યક્તિની વફાદારી અને કર (Tax) ચૂકવવાની જવાબદારી હતી.
પરિવાર, ગામ અને સ્થાનિક અધિકારીઓ જ હતા ઓળખનો આધાર
મુગલ કાળમાં કોઈ વ્યક્તિ કોણ છે તેની ઓળખ મુખ્યત્વે તેના પરિવાર, વંશ, ગામ અને સ્થાનિક સમાજ દ્વારા નક્કી થતી હતી. કોઈ અજાણી વ્યક્તિ કોઈ ગામમાં આવે તો ગામના મુખિયા, પટેલ, પટવારી અથવા અન્ય સ્થાનિક અધિકારીઓ તેની ઓળખની ખાતરી આપતા હતા.
તે સમયની સામાજિક વ્યવસ્થા સંપૂર્ણપણે સ્થાનિક વિશ્વાસ પર આધારિત હતી. મોટાભાગના લોકો પોતાના ગામ અથવા નજીકના વિસ્તારોમાં જ રહેતા હોવાથી તેમની ઓળખ દરેકને જાણીતી રહેતી. જો કોઈ વિવાદ ઊભો થાય તો ગામના વડીલો અથવા પ્રતિષ્ઠિત લોકો સાક્ષી તરીકે ઉભા રહેતા અને તેમના નિવેદનને વિશ્વસનીય માનવામાં આવતું.
સરકારી દસ્તાવેજો પણ ભજવતા હતા મહત્વની ભૂમિકા
ભલે તે સમયે પાસપોર્ટ, આધાર કાર્ડ કે મતદાર ઓળખપત્ર જેવી કોઈ વ્યવસ્થા નહોતી, પરંતુ મુગલ શાસનમાં અનેક પ્રકારના સત્તાવાર દસ્તાવેજો અસ્તિત્વમાં હતા, જે વ્યક્તિના અધિકારો અને ઓળખ માટે મહત્વપૂર્ણ માનવામાં આવતા.
સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાં ફરમાનનો સમાવેશ થતો હતો. ફરમાન એટલે બાદશાહ દ્વારા જાહેર કરાયેલો સત્તાવાર લેખિત આદેશ. જમીન આપવી, કરમાં રાહત, કોઈ વિશેષ અધિકાર આપવો અથવા રાજકીય નિર્ણય જાહેર કરવા માટે ફરમાનનો ઉપયોગ થતો. આ દસ્તાવેજ ફારસી ભાષામાં લખવામાં આવતો અને તેના પર શાહી મુદ્રા તેમજ દરબારી અધિકારીઓની સહી હોવાથી તેને અત્યંત વિશ્વસનીય માનવામાં આવતો.
તે જ રીતે સનદ પણ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ હતો. સનદ કોઈ વ્યક્તિને મળેલા અધિકાર, જમીન, જાગીર અથવા સરકારી મંજૂરીનો સત્તાવાર પુરાવો ગણાતી. ઘણી વખત તે કાગળ પર લખાતી, જ્યારે કેટલાક કિસ્સામાં તાંબાના પત્ર (તાંબ્રપત્ર) પર પણ અંકિત કરવામાં આવતી. જમીન અથવા મિલકત સંબંધિત વિવાદોમાં સનદને મુખ્ય પુરાવા તરીકે સ્વીકારવામાં આવતી.
આ પણ વાંચો: સિયા જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર વાયરલ : "હું સિયા નથી" કહી હાથ કરી અપીલ, ટ્રોલિંગને લઈને ફરી ચર્ચા
પરવાના અને પટ્ટાની વ્યવસ્થા કેવી હતી?
મુગલ કાળમાં પરવાનો પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ હતો. લાંબા અંતરની મુસાફરી, વેપાર અથવા કેટલીક વિશેષ સુવિધા મેળવવા માટે પરવાનો જરૂરી બનતો. વેપારીઓને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ લઈ જવો હોય અથવા કરમાં છૂટ મેળવવી હોય તો શાહી દરબાર અથવા જિલ્લા અધિકારી દ્વારા પરવાનો આપવામાં આવતો.
તે જ રીતે પટ્ટો જમીન અને મહેસૂલ સંબંધિત દસ્તાવેજ હતો. કોઈ ખેડૂત અથવા જમીનધારક પાસે કઈ જમીન છે, તેના પર કેટલો કર લાગશે અને તેનો કાયદેસર ઉપયોગ કોણ કરશે તેની માહિતી પટ્ટામાં નોંધવામાં આવતી. સ્થાનિક પટવારી અથવા મહેસૂલ અધિકારીઓ આ નોંધ રાખતા હતા. ખેડૂતો માટે આ દસ્તાવેજ જીવનભરનો મહત્વપૂર્ણ પુરાવો માનવામાં આવતો.
પાસપોર્ટ જેવી કોઈ વ્યવસ્થા નહોતી
મુગલ શાસન દરમિયાન આજની જેમ આંતરરાષ્ટ્રીય પાસપોર્ટ અથવા વિઝા જેવી કોઈ વ્યવસ્થા અસ્તિત્વમાં નહોતી. સામાન્ય રીતે રાજ્યની અંદર લોકોની અવરજવર પર કોઈ ખાસ પ્રતિબંધ નહોતો. જોકે લાંબા અંતરની મુસાફરી, વેપાર અથવા રાજકીય રીતે સંવેદનશીલ વિસ્તારોમાં જવા માટે પરવાનો અથવા શાહી મંજૂરી જરૂરી બની શકતી.
યુદ્ધ, બળવો અથવા રાજકીય અસ્થિરતાના સમયમાં મુસાફરો પાસેથી શાહી દસ્તાવેજો માંગવામાં આવતા. આવા સંજોગોમાં ફરમાન અથવા પરવાનો બતાવીને વ્યક્તિ પોતાની ઓળખ અને મંજૂરી સાબિત કરી શકતી.
વિવાદ સમયે ગવાહોનું મહત્વ સૌથી વધુ હતું
જો કોઈ વ્યક્તિ પાસે લેખિત દસ્તાવેજ ઉપલબ્ધ ન હોય તો તેની ઓળખ અને અધિકારો નક્કી કરવામાં ગવાહો (સાક્ષીઓ)ની ભૂમિકા અત્યંત મહત્વની બનતી. ગામના પ્રતિષ્ઠિત લોકો, સ્થાનિક અધિકારીઓ અથવા સંબંધીઓના નિવેદનના આધારે અનેક વિવાદોનો ઉકેલ લાવવામાં આવતો.
તે સમય દરમિયાન પણ નકલી દસ્તાવેજો બનાવવાના અથવા સરકારી કાગળો ગાયબ થવાના બનાવો બનતા હતા. આવી સ્થિતિમાં દસ્તાવેજ પર લાગેલી શાહી મુદ્રા, અધિકારીઓની સહી અને વિશ્વસનીય સાક્ષીઓના આધારે સત્યતા ચકાસવામાં આવતી.
આજની વ્યવસ્થા કેમ અલગ છે?
આધુનિક ભારત એક બંધારણીય લોકશાહી દેશ છે, જ્યાં નાગરિકતા માટે અલગ કાયદાકીય માળખું છે. આજે આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજોની અલગ-અલગ કાનૂની ભૂમિકા છે. દરેક દસ્તાવેજનો હેતુ અલગ હોવાથી કોઈ એક દસ્તાવેજ દરેક પરિસ્થિતિમાં નાગરિકતાનો અંતિમ પુરાવો ગણાતો નથી.
મુગલ યુગમાં ઓળખ વ્યક્તિના સામાજિક સંબંધો, જમીન, સ્થાનિક વહીવટ અને શાહી દસ્તાવેજો પર આધારિત હતી, જ્યારે આજે ઓળખ અને નાગરિકતા માટે કાયદેસર દસ્તાવેજો તથા સંસ્થાકીય વ્યવસ્થા વિકસિત થઈ ચૂકી છે.





