USA News: ટેક્સાસના શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં નવી જ સ્થાપિત કરવામાં આવેલી 90 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજીની પ્રતિમા, જેને “સ્ટેચ્યુ ઓફ ધ યુનિયન” તરીકે ઓળખવામાં આવે છે, હાલમાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર બની છે. રિપબ્લિકન પાર્ટીના નેતા એલેક્ઝાન્ડર ડંકન દ્વારા દેવ મૂર્તિ વિરુદ્ધ આપેલ વિવાદાસ્પદ નિવેદનથી આ શાંતિપ્રિય પ્રોજેક્ટ વિવાદમાં આવી ગયો છે.
હનુમાનજીની પ્રતિમાની વિશેષતાઓ-
2024માં આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પંચલોહથી બનેલી આ મૂર્તિમાં હનુમાનજી “અભય હનુમાન” રૂપે દર્શાવવામાં આવ્યા છે, જ્યાં તેઓ બંને હાથ લંબાવી આશીર્વાદ આપતાં જોવા મળે છે. આ માત્ર ધાર્મિક પ્રતીક નથી, પણ એકતા, ભક્તિ અને બલિદાનનો સંદેશ આપતી વિશાળ પ્રતિમા છે. આ હનુમાન પ્રતિમા હવે અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી હિન્દુ મૂર્તિ બની ગઈ છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉદ્દમના પાછળ શ્રી ચિન્મય સ્વામીજીનો વિચાર હતો. જેમણે મંદિરમાં આ પ્રતિમાના નિર્માણ માટે નેતૃત્વ કર્યું. અનાવરણના પ્રસંગે હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી અને 72 ફૂટ લાંબી પુષ્પમાળા હનુમાનજીને અર્પણ કરવામાં આવી હતી.
ડંકનના વિવાદાસ્પદ નિવેદન-
રિપબ્લિકન પાર્ટીના ટેક્સાસના નેતા એલેક્ઝાન્ડર ડંકનએ X પર પોસ્ટ કરીને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, "ટેક્સાસમાં ખોટા હિન્દુ દેવતાઓની ખોટી મૂર્તિઓ બનાવવાની મંજૂરી કેમ આપી શકાય? આપણે ખ્રિસ્તી રાષ્ટ્ર છીએ." સાથે જ તેમણે બાઇબલના ઉદ્ધરણો આપીને આ પ્રકારની મૂર્તિઓનું વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
તેના પછીની પોસ્ટમાં પણ તેમણે કહ્યું કે "તમારી પાસે મારી સિવાય કોઈ ભગવાન ન હોવો જોઈએ," જેનાથી હિન્દુ સમુદાયમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. ડંકન અગાઉ પણ મુસ્લિમ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી ચૂક્યા છે, જેમાં તેમણે કહ્યું હતું કે "મુસ્લિમોને અમેરિકાથી હાંકી કાઢવા જોઈએ."
ભારે વિરોધ અને સોશિયલ મીડિયા પર પ્રતિસાદ-
ડંકનના નિવેદન બાદ હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) સહિત અનેક હિન્દુ સંગઠનો અને નાગરિકોએ આ ટિપ્પણીને “હિન્દુ વિરોધી અને ઉશ્કેરણીજનક” ગણાવી છે. HAFએ ટેક્સાસ GOPને આ મામલે પગલાં લેવા વિનંતી પણ કરી છે અને કહ્યું છે કે ડંકન પાર્ટીની નીતિઓ અને સંવિધાનના "Establishment Clause"નો ઉલ્લંઘન કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે ડંકનને યાદ અપાવ્યું કે અમેરિકાનું સંવિધાન દરેક નાગરિકને પોતાની ઈચ્છાના ધર્મના અનુસરણની છૂટ આપે છે. એક યુઝરે લખ્યું, "તમે હિન્દુ ન હોવાના કારણે આ મૂર્તિને ખોટી કહી શકો નહીં. વેદો ખ્રિસ્તી ધર્મના પ્રારંભ પહેલાંના છે અને ઈશુના અવતરણ પહેલા જ લખાયેલા છે."