ઉત્તર પ્રદેશ પોલીસને મળેલા એક ધમકીભર્યા ફોન કોલ બાદ હલચલ મચી ગઈ છે. UP 112 પર ફોન કરીને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગોળી મારવાની ધમકી આપનાર યુવકની ઓળખ થઈ ગઈ છે. મોબાઇલ નંબર ટ્રેસ કરતા આરોપીનું નામ મનીષ દુબે હોવાનું બહાર આવ્યું છે, જે પ્રયાગરાજ જિલ્લાના સોરાઓન વિસ્તારનો રહેવાસી છે.
કોતવાલી નગર પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસની ટીમ પહેલેથી જ મનીષ સુધી પહોંચી ગઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ ઘટના 2 નવેમ્બરની રાત્રે બની હતી. UP 112ની PRV-5049 ટીમે મોહમ્મદપુર આઉટપોસ્ટના ઇન્ચાર્જ સબ-ઇન્સ્પેક્ટર સુદર્શન સિંહને જાણ કરી કે મનીષ દુબે નામના વ્યક્તિએ પોતાના મોબાઇલ પરથી ફોન કરીને મુખ્યમંત્રીને જાનથી મારવાની ધમકી આપી છે.
પોલીસે તરત જ કોલરનો નંબર ટ્રેસ કર્યો અને તપાસમાં ખુલ્યું કે આરોપી સોરાઓન, પ્રયાગરાજનો રહેવાસી છે. PRV ટીમે મનીષ દુબેને બે વાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પહેલી વાર તેણે પોતાનું સ્થાન લખનૌના ચારબાગ, જ્યારે બીજી વાર પ્રયાગરાજ બતાવ્યું હતું, ત્યારબાદ તેણે કોલ કાપી નાખ્યો હતો.
સબ-ઇન્સ્પેક્ટર સુદર્શન સિંહે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. તપાસની જવાબદારી સબ-ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર પ્રતિાપ સિંહને સોંપવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ધમકી આપ્યા બાદ આરોપી સતત સ્થાન બદલી રહ્યો હતો, છતાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેની ઓળખ પુષ્ટિ કરી લીધી છે. પોલીસ તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ થવાની શક્યતા છે.





















