વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે વિશ્વભરના નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી. ખાસ કરીને દુબઈનું વિશ્વવિખ્યાત બુર્જ ખલીફા પીએમ મોદીની તસવીર અને જન્મદિવસની શુભેચ્છા સંદેશાઓથી ઝગમગી ગયું, જે ભારત માટે ગૌરવની ક્ષણ બની.
વિશ્વ નેતાઓના શુભેચ્છા સંદેશા
વ્લાદિમીર પુતિન (રશિયા) – પુતિને પીએમ મોદીને અભિનંદન પાઠવી ભારત-રશિયા ભાગીદારી મજબૂત કરવા માટે તેમના ઉત્તમ વ્યક્તિગત યોગદાનની પ્રશંસા કરી. ક્રેમલિનની વેબસાઇટ પર પ્રસિદ્ધ સંદેશમાં તેમણે ઉમેર્યું કે મોદીના નેતૃત્વમાં ભારતે સામાજિક, આર્થિક, વૈજ્ઞાનિક અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ (અમેરિકા) – એક દિવસ પહેલાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેમણે મોદીના કાર્યની પ્રશંસા કરી અને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટેના તેમના સમર્થન બદલ આભાર માન્યો.
બેન્જામિન નેતન્યાહૂ (ઇઝરાયેલ) – મોદીને શુભેચ્છા પાઠવતા તેમને એક સારા મિત્ર ગણાવ્યા. નેતન્યાહૂએ કહ્યું કે "તમે ભારત માટે ઘણું હાંસલ કર્યું છે, અને ભારત-ઇઝરાયેલની મિત્રતામાં પણ અમે મળીને મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે."
જ્યોર્જિયા મેલોની (ઇટાલી) – ઇટાલીની વડાપ્રધાન મેલોનીએ સોશ્યલ મીડિયા પર પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા અને લખ્યું કે તેમની શક્તિ, દૃઢ નિશ્ચય અને નેતૃત્વ ક્ષમતા પ્રેરણાસ્ત્રોત છે. તેમણે મોદીને સારા સ્વાસ્થ્ય અને ઉર્જાની શુભેચ્છાઓ પાઠવી.
ઋષિ સુનક (યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન) સહિત અન્ય વિશ્વ નેતાઓએ પણ પીએમ મોદીને અભિનંદન પાઠવી ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.