Senior journalist Sameer Shukla reports from New Jersey
Trump-Mamdani meeting: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ન્યુયોર્ક સિટીના નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાની વચ્ચે 21 નવેમ્બર 2025ના શુક્રવારે વ્હાઇટ હાઉસમાં થયેલી મુલાકાતે રાજકીય વિશ્લેષકો અને મીડિયાને આશ્ચર્યજનક રીતે ચોંકી દીધા. ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ મમદાની અને રિપબ્લિકન વિચારધારાના પ્રખર નેતા ટ્રમ્પ વચ્ચેના તીખા વિરોધ અને ચૂંટણી પ્રચાર દરમિયાનના આકરા પ્રહારો છતાં આ મુલાકાત સૌહાર્દપૂર્ણ અને ફલદાયી રહી, જેમાં બંનેએ ન્યુયોર્કના નાગરિકોના હિત માટે વિવિધ મુદ્દાઓ પર સહમતિ વ્યક્ત કરી.
ટ્રમ્પને "તઘલખી શાસક" કહેતા
મમદાની, જેમણે 4 નવેમ્બર 2025ની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવીને ન્યુયોર્કના સૌથી યુવા (34 વર્ષીય), પ્રથમ મુસ્લિમ અને સાઉથ એશિયન મેયર તરીકે ઇતિહાસ રચ્યો, તેઓ ટ્રમ્પને "તઘલખી શાસક" કહેતા રહ્યા હતા. તો બીજી તરફ, ટ્રમ્પે મમદાનીને "કોમ્યુનિસ્ટ" તરીકે ટીંટણી કરી અને ચૂંટણી પહેલાં ન્યુયોર્કનું ફેડરલ ફંડિંગ અટકાવવાની ધમકી આપી હતી. પરંતુ આ મુલાકાતમાં બધું બદલાઈ ગયું. મુલાકાત પછી ટ્રમ્પે કહ્યું, "અમે ધાર્યું હતું તેના કરતાં અમે ઘણી વધારે બાબતો પર સહમત થયા છીએ." તેમણે મમદાનીના વિચારોને પોતાના વિચારો સાથે મળતા આવતા ગણાવ્યા અને કહ્યું કે તેઓ મમદાનીને સફળ બનાવવા માટે મદદ કરશે.
મુલાકાતનું વાતાવરણ: આશ્ચર્યજનક સૌહાર્દ
ઓવલ ઓફિસમાં થયેલી આ બેઠક શાંતિપૂર્ણ અને સકારાત્મક રહી. પત્રકારો સામે બંનેએ એકબીજાની પ્રશંસા કરી. મમદાનીએ કહ્યું, "આ મુલાકાત ન્યુયોર્કર્સની સમસ્યાઓ પર કેન્દ્રિત હતી, જ્યાં અમે અસહમતિને બાજુ પર મૂકીને સહયોગ પર ધ્યાન આપ્યું." ટ્રમ્પે પણ મમદાનીના કેમ્પેઈનની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ "અણધારી રીતે" ઘણા મુદ્દાઓ પર એકસમાન છે.
મુખ્ય ચર્ચિત મુદ્દાઓ
NYCના નાગરિકોના હિત પર ધ્યાન
મુલાકાતમાં મુખ્યત્વે ન્યુયોર્ક સિટીની આર્થિક અને સામાજિક સમસ્યાઓ પર વાતચીત થઈ.
મોંઘવારી અને જીવન ખર્ચ: કરિયાણાના ભાવ, મકાન ભાડું અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ પર બંનેએ ચિંતા વ્યક્ત કરી. મમદાનીના અફોર્ડેબિલિટી એજન્ડા અને ટ્રમ્પના કોસ્ટ-કટિંગ વિચારો વચ્ચે સમાનતા જોવા મળી.
સુરક્ષા અને ક્રાઈમ રેટ: જાહેર સુરક્ષા વ્યવસ્થા સુધારવા પર બંનેએ ભાર મૂક્યો. ટ્રમ્પે કહ્યું કે તેઓ NYCમાં ક્રાઈમ ઘટાડવા માટે ફેડરલ સપોર્ટ આપશે.
વીજળીના બિલ અને Con Edison: ટ્રમ્પે ખાસ કરીને વીજળી કંપની 'Con Edison'ના વધતા દરો ઘટાડવા પર વાત કરી. બંનેએ સહમતિ વ્યક્ત કરી કે લોકોને આર્થિક રાહત મળવી જોઈએ.
હાઉસિંગ અને ભાડા: શહેરમાં નવા મકાનો બાંધવા અને ભાડા નિયંત્રણ માટે સહયોગની તૈયારી દર્શાવી. આ ઉપરાંત, ફેડરલ ફંડિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇમિગ્રેશન પોલિસી પર પણ ચર્ચા થઈ.
આ મુદ્દાઓ પર સહમતિ એ બંનેના વિરોધી વિચારો (કેપિટલિઝમ વિરુદ્ધ સોશિયલિઝમ)ને અતિક્રમીને વ્યવહારુ સહકારનું પ્રતીક બની.
સંઘર્ષને બદલે સહકારનો માર્ગ ખુલ્યો
આ મુલાકાતનું સૌથી મોટું પરિણામ એ છે કે ચૂંટણીની કડવાશ ભૂલીને બંનેએ NYCના હિત માટે સાથે કામ કરવાની તૈયારી દર્શાવી. ટ્રમ્પે પોતાની અગાઉની ધમકી પર યુ-ટર્ન લઈને કહ્યું કે તેઓ મમદાનીને "બિગ હેલ્પ" આપશે અને તેમને સફળ જોવા માંગે છે. મમદાનીએ પણ કહ્યું કે તેઓ ટ્રમ્પ સાથે કામ કરીને ન્યુયોર્કને વધુ સુરક્ષિત અને અફોર્ડેબલ બનાવશે. રાજકીય પંડિતો માને છે કે આ "અનલાઈકલી એલાયન્સ" ન્યુયોર્ક માટે ફાયદાકારક સાબિત થઈ શકે, પરંતુ જાન્યુઆરી 2026થી મમદાનીના કાર્યકાળમાં આ સહકાર કેટલો ટકશે તે જોવાનું રહેશે. ટૂંકમાં, સંઘર્ષને બદલે સહકારનો માર્ગ ખુલ્યો છે – જે ન્યુયોર્કના 8.5 મિલિયન નાગરિકો માટે આશાનું કિરણ છે.




















