Senior Journalist Sameer Shukla - New Jersey USA
મિશિગનના ગ્રાન્ડ બ્લેન્ક ટાઉનશિપમાં 28 સપ્ટેમ્બર, 2025ના રવિવારે દિવસે ચર્ચ પર ઘાતક હુમલો થયો. આ ભયાનક હુમલામાં ઓછામાં ઓછા 4 ના મોત થયા, જ્યારે 8 વ્યક્તિઓ ઘાયલ થયા.
'ધ ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ' (મોર્મન ચર્ચ)માં રવિવારની પૂજા દરમિયાન, સવારે 10:25 વાગ્યે આ ઘટના બની.
ઘાતક હુમલો કરનાર આરોપી થોમસ જેકબ સેન્ફોર્ડ હોવાનું સામે આવ્યું છે, જેની ઉંમર 40 વર્ષની છે, તે બર્ટન, મિશિગનનો રહેવાસી છે. તપાસ એજન્સી એ આપેલી માહિતી મુજબ થોમસ યુ.એસ. મરીન્સમાં ઇરાક યુદ્ધમાં લડ્યો હતો , અને વેટરન સ્ટેટસ ધરાવતો હતો.થોમસ જેકબ સેન્ફોર્ડે પોતાના પિકઅપ ટ્રકને ચર્ચની દીવાલમાં ધૂસાડી દિધી, ત્યારબાદ અસોલ્ટ-સ્ટાઇલ રાઇફલથી પાદરી પર ગોળીબાર કર્યો અને ઇમારતને આગ લગાડી દીધી. ચર્ચમાં 100 થી વધુ લોકો હાજર હતા, જેમાં મોટા ભાગના પરિવારો અને બાળકોનો સમાવેશ થતો હતો.
આ ઘાતક હુમલાને કારણે 4 લોકોના મોત થયા, 1 વ્યક્તિ ઘટનાસ્થળે, 1 હોસ્પિટલમાં અને 2 આગમાં હોમાઈ ગયા. 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલુ છે. કેટલાક લોકો હજુ પણ લાપતા છે.
આ હુમલો ગ્રાન્ડ બ્લેન્ક ટાઉનશિપ (ડેટ્રોઇટથી આશરે 60 માઇલ ઉત્તર-પશ્ચિમમાં), જીનેસી કાઉન્ટી, મિશિગનમાં થયો.
ઇમારતમાં લાગેલી આગને આગ કાબૂમાં તો આવી ગઈ, પરંતુ ઇમારતને ભારે નુકસાન થયું છે. આ ઘટનાને પગલે ગ્રાન્ડ બ્લેન્ક કોમ્યુનિટી સ્કૂલ્સના 13 કેમ્પસને સોમવારે બંધ રાખવામાં આવ્યા.
આરોપી થોમસે તેની ટ્રક પર ઇરાક યુદ્ધ વેટરન લાઇસન્સ પ્લેટ લગાવી હતી. જો કે પોલીસ સાથેના ગોળીબારમાં તેને ઠાર મારવામાં આવ્યો. તેના ઘર પર પણ તપાસ ચાલી રહી છે, જ્યાં બોમ્બ સ્ક્વાડ તૈનાત કરાઇ છે.
FBI આખીય ઘટનાને "ટાર્ગેટેડ વાયોલન્સ" તરીકે તપાસી રહ્યું છે. જો કે મારા ગયેલા અપરાધી થોમસ નું હજુ કોઈ મોટિવ જાહેર થયું નથી, પરંતુ તેને ધાર્મિક સ્થળ પર થયેલા હુમલા તરીકે જોવામાં આવી રહ્યું છે. ગ્રાન્ડ બ્લેન્ક પોલીસ ચીફ ક્રેગ રેન્યે અને FBIના એજન્ટ્સ તપાસમાં સામેલ છે.
આ તરફ USA પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેને "ખ્રિસ્તીઓ પરનો ટાર્ગેટેડ હુમલો" કહ્યું. વાઇસ પ્રેસિડન્ટ જેડી વાન્સ, એટર્ની જનરલ પેમ બોન્ડી અને મિશિગન ગવર્નર ગ્રેચન વિટમરે દુઃખ વ્યક્ત કર્યું અને શાંતિ માટે પ્રાર્થના કરી.
આમ યુએસમાં આ વર્ષે 324 સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની, જેમા અનેક ધાર્મિક સ્થળો પર હુમલાઓ થયાં. થોડા સમય પહેલા અમેરિકાના મિનિયાપોલિસમાં કેથોલિક ચર્ચ પર હુમલો થયો હતો. પિટ્સબર્ગના સિનાગોગ અને વિસ્કોન્સિનના શીખ મંદિર પણ ઘાતક હુમલાનો ભોગ બની ચૂક્યા છે.