There were many changes in Team India after the Australia tour: સાઉથ આફ્રિકા સામેની ODI સીરિઝ માટે ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે. રુતુરાજ ગાયકવાડ અને તિલક વર્મા લાંબા સમય પછી ODI ટીમમાં પાછા આવ્યા છે. ભારતના ટેસ્ટ+ODI ટીમના કેપ્ટન અને T20I ના વાઇસ કેપ્ટન શુભમન ગિલ, ODI ના વાઇસ કેપ્ટન શ્રેયસ ઐયર અને ODI+T20 ના સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાઓને કારણે આ 3 ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા નથી.
શુભમન ગિલ અને શ્રેયસ ઐયરની ઈજા
30 નવેમ્બરથી સાઉથ આફ્રિકા સામે શરૂ થનારી ત્રણ મેચની ODI સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત 23 નવેમ્બર, રવિવારના રોજ કરવામાં આવી હતી. આ વનડે સીરિઝમાં કે. એલ રાહુલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. નિયમિત કેપ્ટન શુભમન ગિલ ગરદનની ઈજાને કારણે પસંદગી માટે ઉપલબ્ધ ન હતો, જ્યારે શ્રેયસ ઐયર પણ ઈજાને કારણે થોડા મહિનાઓ માટે ક્રિકેટથી બહાર રહેશે. તેથી, વિકેટકીપર-બેટ્સમેન કે. એલ રાહુલને આ જવાબદારી સોંપવામાં આવી છે.
આ ચાર ખેલાડીઓ બહાર
ભારતીય ટીમે છેલ્લે ગયા મહિને ઓસ્ટ્રેલિયા સામે ODI સીરિઝ રમી હતી. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ ત્રણ મેચની ODI સીરિઝ 1-2 થી હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI ટીમનો ભાગ રહેલા ચાર ખેલાડીઓ સાઉથ આફ્રિકા સામેની આગામી ODI સીરિઝનો ભાગ નથી. આમાં શુભમન ગિલ, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે. શુભમન અને શ્રેયસ ઈજાને કારણે બહાર છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને વર્કલોડ મેનેજમેન્ટના ભાગ રૂપે આરામ આપવામાં આવ્યો છે, જ્યારે લેફટી ઓલરાઉન્ડર અક્ષર પટેલને ડ્રોપ કરવામાં આવ્યો છે.
લાંબા વિરામ બાદ રુતુરાજ ગાયકવાડ અને તિલક વર્માની રી-એન્ટ્રી
આ ચાર ખેલાડીઓની જગ્યાએ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રવિન્દ્ર જાડેજા અને રિષભ પંતને ODI ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. રુતુરાજે ભારત માટે પોતાની છેલ્લી ODI 19 ડિસેમ્બર, 2023 ના રોજ ગકેબરહામાં સાઉથ આફ્રિકા સામે રમી હતી. તિલક વર્માએ 21 ડિસેમ્બર, 2023 ના રોજ પાર્લમાં આ જ ટીમ સામે પોતાની છેલ્લી ODI પણ રમી હતી. હવે, બંને ખેલાડીઓ લગભગ બે વર્ષ પછી ODI ટીમમાં પાછા ફર્યા છે.
રિષભ પંત આશરે એક વર્ષ પછી ટીમમાં ફરીથી સામેલ
રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો, ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી બંનેને પહેલી વાર ભારતની ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, રિષભ પંત ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મેચ રમ્યો ન હતો. રિષભ પંતને ODI ટીમમાં બીજા પસંદગીના વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રિષભ પંતની છેલ્લી ODI મેચ 7 ઓગસ્ટ, 2024 ના રોજ કોલંબોમાં શ્રીલંકા સામે હતી. સાઉથ આફ્રિકા સામે ODI સીરિઝ માટે ભારતીય ટીમ માટે પસંદ કરાયેલા બાકીના 11 ખેલાડીઓ પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ODI સીરિઝનો ભાગ હતા.
કે. એલ રાહુલની કેપ્ટનસી કેરિયર
કે. એલ રાહુલ માટે કેપ્ટનશીપ કંઈ નવી નથી. તેને અગાઉ ODI માં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. કે. એલ રાહુલના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ 12 માંથી 8 વનડે જીતી હતી, જ્યારે 4 માં હારનો સામનો કરવો પડ્યો હતો.
સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતની ODI ટીમ: કે. એલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, ઋતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ અને ધ્રુવ જુરેલ.
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ માટેની ભારતીય ટીમ આ પ્રમાણે હતીઃ શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કે. એલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, પ્રસીદ કૃષ્ણ, યશસ્વી જયસ્વાલ અને અર્શદીપ સિંહ.
ભારત vs સાઉથ આફ્રિકાનું શેડ્યૂલ
પ્રથમ વનડે: 30 નવેમ્બર, રાંચી
બીજી વનડે: 3 ડિસેમ્બર, રાયપુર
ત્રીજી વનડે: 6 ડિસેમ્બર, વિશાખાપટ્ટનમ




















