તમિલનાડુના કૃષ્ણગિરી જિલ્લામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સની મહિલા છાત્રાલયમાં બાથરૂમની અંદર છુપાયેલ કેમેરો મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સેકડો મહિલા કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને એક મહિલા કર્મચારી અને તેના બોયફ્રેન્ડને ઝડપી લીધા હતા.
કંપનીનું નિવેદન
ટાટા ઇલેક્ટ્રોનિક્સના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કર્મચારીઓની સલામતી અને ગોપનીયતા કંપની માટે સર્વોચ્ચ પ્રાથમિકતા ધરાવે છે. ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો. કંપનીએ ઉમેર્યું કે તે દરેક કર્મચારીને સલામત અને સન્માનપૂર્ણ વાતાવરણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે અને આવા મામલાઓને અત્યંત ગંભીરતાથી લે છે.
કેમેરા કેવી રીતે મળ્યો?
પોલીસ તપાસ મુજબ, ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડના નાગમંગલમ યુનિટમાં આવેલી “વિદ્યાલ રેસિડેન્સી” નામની મહિલા છાત્રાલયમાં આ કેમેરો લગાવવામાં આવ્યો હતો. કેટલીક મહિલાઓએ બાથરૂમમાં શંકાસ્પદ ઉપકરણ જોતા તાત્કાલિક મેનેજમેન્ટને જાણ કરી, ત્યારબાદ મામલો જાહેર થયો.
તપાસમાં જાણવા મળ્યું કે આરોપી મહિલા નીલુ કુમારી ગુપ્તા (22), જે ઓડિશાની રહેવાસી છે અને ટાટા ઇલેક્ટ્રોનિક્સમાં કાર્યરત હતી, તેણે પોતાના બોયફ્રેન્ડ સંતોષ (25) ના સૂચનથી 2 નવેમ્બરનાં રોજ બાથરૂમમાં કેમેરો લગાવ્યો હતો. સંતોષને બેંગલુરુમાંથી પકડી લેવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન મોટું વિરોધ પ્રદર્શન
ઘટનાને લઈ મહિલા કર્મચારીઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. હોસુરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આકૃતિ સેઠી અને પોલીસ સુપરિન્ટેન્ડન્ટ પી. થાંગાદુરાઈએ સ્થળ પર જઈ કર્મચારીઓ સાથે વાત કરી અને સુરક્ષા વધારવાની ખાતરી આપી હતી. હોસ્ટેલના દરેક વિભાગમાં મહિલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે જેથી આવી ઘટનાઓ ફરી ન બને.
6,000થી વધુ મહિલાઓ રહે છે આ કોમ્પલેક્સમાં
આ છાત્રાલયમાં કુલ 11 માળ અને 8 બ્લોક્સ છે, જ્યાં આશરે 6,000 થી વધુ મહિલા કર્મચારીઓ રહે છે. પોલીસ તપાસ ચાલુ છે અને અધિકારીઓ આ પણ શોધી રહ્યા છે કે રેકોર્ડિંગ્સ ક્યાં મોકલવામાં આવી રહ્યા હતા અને અન્ય જગ્યાએ પણ કેમેરા લગાવવામાં આવ્યા હતા કે નહીં.
આ ઘટના તે સમયે બની છે જ્યારે દેશમાં કોર્પોરેટ કાર્યસ્થળો અને હોસ્ટેલોમાં મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર ચર્ચા ચાલી રહી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સે જણાવ્યું છે કે સુરક્ષા પ્રોટોકોલની સમીક્ષા કરીને આવું ફરી ન બને તે માટે જરૂરી સુધારાઓ હાથ ધરવામાં આવી રહ્યા છે.





















