દેશભરમાં વધતા રખડતા કૂતરાઓના હુમલાઓને લઈને સુપ્રીમ કોર્ટએ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટએ જણાવ્યું કે મોટા ભાગના રાજ્યો હજુ સુધી આ મુદ્દે સોગંદનામું (affidavit) દાખલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ બાબતે અસંતોષ વ્યક્ત કરતાં કોર્ટએ 3 નવેમ્બરે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને સમન્સ પાઠવ્યા છે.
કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે પશ્ચિમ બંગાળ અને તેલંગાણાના મુખ્ય સચિવોને આ તબક્કે હાજર રહેવાની જરૂર નથી, કારણ કે બંને રાજ્યો પહેલેથી જ જરૂરી દસ્તાવેજ રજૂ કરી ચૂક્યા છે.
રખડતા કૂતરાઓ અંગે અગાઉનો આદેશ
ગત ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટએ સમગ્ર દેશમાં રખડતા કૂતરાઓની સમસ્યાને ગંભીરતાથી લઈ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ પાઠવી હતી. કોર્ટએ ખાસ કરીને દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓને પકડવા, નસબંધી (sterilization) અને રસીકરણ (vaccination) કરવાનું સૂચન આપ્યું હતું. આ પ્રક્રિયા બાદ કૂતરાઓને તેમના મૂળ વિસ્તારોમાં પરત મુકવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.
વધતા હુમલાના કિસ્સાઓ પર કોર્ટની ચિંતા
કોર્ટએ નોંધ્યું કે તેના આદેશ બાદ પણ દેશમાં કૂતરાઓના હુમલાઓના કિસ્સાઓમાં ઘટાડો થવાને બદલે વધારો જોવા મળ્યો છે. અનેક રાજ્યોમાંથી મળેલા અહેવાલો મુજબ બાળકો પર હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે.
ગયા મહિને મહારાષ્ટ્રના પુણેમાં એક બાળક પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો, ત્યારબાદ બીજી ઘટના એક નાની છોકરી સાથે બની હતી. તાજેતરમાં ભંડારા જિલ્લામાં 20 કૂતરાઓના ટોળાએ એક બાળક પર હુમલો કર્યો, જેનાથી લોકોમાં ભયનું વાતાવરણ છે.
“દેશની છબીને કલંકિત કરતી ઘટનાઓ” — સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવી ઘટનાઓ ભારતની વૈશ્વિક છબીને નુકસાન પહોંચાડી રહી છે. કોર્ટએ રાજ્ય સરકારોને આળસ માટે ઠપકો આપતાં કહ્યું,
“બે મહિના વીતી ગયા છે, પણ હજુ સુધી ઘણા રાજ્યોે સોગંદનામું રજૂ કર્યું નથી. દેશભરમાં આવા હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે અને આ સ્થિતિ ચિંતાજનક છે.”
કોર્ટએ આ પણ જણાવ્યું કે રાજ્યોે જો સમયસર પગલાં નહીં લે તો કાનૂની રીતે વધુ કડક પગલાં લેવામાં આવશે.
આવતી સુનાવણીમાં કડક કાર્યવાહી શક્ય
ન્યાયાલયે 3 નવેમ્બર માટે સુનાવણી નક્કી કરી છે, જેમાં દરેક રાજ્યના મુખ્ય સચિવોએ તેમની કાર્યવાહીની માહિતી અને આગળની યોજના કોર્ટને રજૂ કરવી રહેશે. સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ સંકેત આપી ચૂકી છે કે આ વખતે માત્ર બહાના ચાલશે નહીં.




















