ફ્રાન્સના વિશ્વપ્રસિદ્ધ લૂવર મ્યુઝિયમમાં થયેલી હીરા અને કિંમતી દાગીનાની ચોરીના મામલે પોલીસે બે શંકાસ્પદોને ઝડપી લીધા છે. આ ચોરીને આધુનિક સમયની સૌથી મોટાં મ્યુઝિયમ હાઇસ્ટમાંથી એક ગણવામાં આવી રહી છે.
એરપોર્ટ પરથી એક શંકાસ્પદ ઝડપાયો
અધિકારીઓએ જણાવ્યું કે પહેલો શંકાસ્પદ શનિવારે રાત્રે પેરિસ-ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટ પર પકડાયો હતો, જ્યારે તે અલ્જેરિયા જવા માટેનું વિમાન પકડવા જતો હતો. થોડા કલાકો પછી બીજો શંકાસ્પદ પણ પેરિસ વિસ્તારમાંથી ઝડપાયો હતો. બંને શંકાસ્પદો સેઈન-સેન્ટ-ડેનિસ જિલ્લાના રહેવાસી છે — ફ્રાન્સના સૌથી ગરીબ વિસ્તારોમાંનો એક.
બંને શંકાસ્પદો પહેલાથી પોલીસની નજરમાં
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, એક શંકાસ્પદ ફ્રેન્ચ નાગરિક છે, જ્યારે બીજાને ફ્રેન્ચ તથા અલ્જેરિયન બંને નાગરિકત્વ છે. બંનેની ઉંમર આશરે 30 વર્ષ છે અને તેઓ ફ્રેન્ચ પોલીસ માટે પહેલેથી જ જાણીતા હતા.
ચોરી કેવી રીતે થઈ?
આ અદભુત ચોરી 19 ઓક્ટોબરના રોજ બની હતી, જ્યારે લૂવર મ્યુઝિયમ સામાન્ય રીતે મુલાકાતીઓ માટે ખુલ્લું હતું. ચોરોએ ક્રેનનો ઉપયોગ કરીને ઉપરના માળની બારી તોડી, ગેલેરી ડી’એપોલોન (Galerie d’Apollon)માંથી આશરે $102 મિલિયન (રૂ. 850 કરોડ)ના કિંમતી દાગીના ચોરી લીધા. આખી કાર્યવાહી માત્ર સાત મિનિટમાં પૂર્ણ થઈ ગઈ હતી.
ચોરી બાદ બંને મોટરબાઈક પર ભાગી ગયા, જેના કારણે ફ્રાન્સભરમાં શોધખોળ શરૂ કરવામાં આવી.
વીડિયો ફૂટેજમાં ચોરીનો પુરાવો
ચોરી બાદ સામે આવેલા વીડિયોમાં ચોરને કાચના ડિસ્પ્લે કેસ કાપતા જોવા મળ્યા હતા, તે સમયે આસપાસ મુલાકાતીઓ હાજર હતા. બીજી ક્લિપમાં બાંધકામના કપડાંમાં સજ્જ બે ચોરો હાઇડ્રોલિક લિફ્ટનો ઉપયોગ કરીને છત પરથી ભાગતા જોવા મળ્યા હતા.
ફ્રાન્સમાં ચર્ચાનો વિષય બનેલી ઘટના
લૂવર મ્યુઝિયમમાંથી થયેલી આ ચોરીએ ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થાઓ પર સવાલો ઉભા કર્યા છે. અધિકારીઓ માને છે કે ચોરોએ અગાઉથી મ્યુઝિયમની રચના અને સુરક્ષા પ્રણાલી વિશે વિગતવાર માહિતી મેળવી હતી. તપાસ હજી ચાલુ છે અને પોલીસે ગુમ થયેલા દાગીનાં કોઈ અંશ હજી સુધી પુનઃપ્રાપ્ત કર્યા નથી.




















