ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ જાહેર થયા બાદ પણ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે શાંત નથી થઈ. ઇઝરાયલના સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, હમાસે શસ્ત્રો નાંખવાની ખાતરી આપી હોવા છતાં તે હકીકતમાં નિઃશસ્ત્ર બનશે નહીં તેવી ધારણા છે. યુદ્ધ પછીના કરાર હેઠળ હમાસે શસ્ત્રવિરામ અને શાંતિ જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ્સ કંઈક અલગ તસવીર દર્શાવે છે.
આ દરમિયાન ગાઝામાં આંતરરાષ્ટ્રીય સ્થિરતા દળ (ISF) તૈનાત કરવા માટેની પ્રક્રિયા તેજ બની છે. ઇઝરાયલી મીડિયા Ynetના અહેવાલ મુજબ, ટૂંક સમયમાં ISFના દળો ગાઝા પટ્ટીમાં પ્રવેશી શકે છે. આ દળોમાં ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો ઇન્ડોનેશિયા, પાકિસ્તાન અને અઝરબૈજાનના સૈનિકોનો સમાવેશ થશે.
ISFને સ્થાનિક સુરક્ષા, કાયદો-વ્યવસ્થા જાળવવા ઉપરાંત સરહદ રક્ષણ અને શસ્ત્રોની હેરાફેરી અટકાવવાની જવાબદારી સોંપવામાં આવશે.
પાકિસ્તાન બનશે મુખ્ય સહભાગી
અહેવાલ મુજબ, પાકિસ્તાન આ આંતરરાષ્ટ્રીય દળમાં સૌથી મોટો હિસ્સો આપશે. તાજેતરમાં પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ સહયોગ મજબૂત કર્યો છે અને તે અમેરિકા સાથે પણ નજીકના સંબંધો ધરાવે છે. અઝરબૈજાન ઇઝરાયલનો લાંબા સમયથી સાથી રહ્યો છે, જ્યારે ઇન્ડોનેશિયા અબ્રાહમ કરાર હેઠળ ભવિષ્યમાં સંભવિત ભાગીદાર તરીકે જોવામાં આવે છે.
ઇઝરાયલનો દૃઢ અભિગમ
ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સરકાર પોતાની સુરક્ષા નીતિઓ પર કોઈ સમાધાન કરશે નહીં. તેમણે કહ્યું, “જો સુરક્ષાને ખતરો થશે તો ઇઝરાયલ તાત્કાલિક અને કડક પ્રતિસાદ આપશે. ISFમાં કયા દેશોના દળોને મંજૂરી આપવી તે પણ ઇઝરાયલ જ નક્કી કરશે.”
કરારના અમલમાં વિલંબ
બીજી તરફ, કરારના બીજા તબક્કા અંગે અનિશ્ચિતતા યથાવત્ છે. નેતન્યાહૂએ હમાસ પર કરારના ઉલ્લંઘન અને ઇઝરાયલી બંધકોના મૃતદેહો પાછા સોંપવામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે. રવિવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં તેમણે સ્પષ્ટ કર્યું કે યુએસ અથવા અન્ય કોઈ દેશ ઇઝરાયલના લશ્કરી નિર્ણયો પર અસર નહીં કરી શકે.




















