સુપ્રીમ કોર્ટે શુક્રવારે, 7 નવેમ્બર, 2025ના રોજ, રખડતા શ્વાનો સંબંધિત વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ત્રણ અલગ આદેશો જાહેર કર્યા. ન્યાયાલયે રાજ્યોને કાર્યવાહી અહેવાલ રજૂ કરવાની તથા રખડતા પ્રાણીઓના સંચાલન માટે વ્યવસ્થિત નીતિ અમલમાં લાવવાની સૂચના આપી છે.
સુપ્રીમ કોર્ટના પ્રથમ આદેશ મુજબ, તમામ રાજ્ય સરકારે એમિકસ ક્યુરી દ્વારા રજૂ કરાયેલા અહેવાલ પર જરૂરી પગલાં લેવાની અને પોતાના સોગંદનામા રજૂ કરવાની ફરજ પાડવામાં આવી છે. કોર્ટએ સ્પષ્ટ કહ્યું છે કે આ મુદ્દો માત્ર પ્રાણી કલ્યાણનો નહીં, પરંતુ માનવ સુરક્ષાનો પણ છે, તેથી રાજ્યોે વિલંબ કર્યા વગર કાર્યવાહી શરૂ કરવી જોઈએ.
બીજા આદેશમાં, કોર્ટએ રાજસ્થાન હાઇકોર્ટના રખડતા પ્રાણીઓ અંગેના આદેશનો રાષ્ટ્રીય સ્તરે અમલ કરવાની દિશા આપી છે. તેમાં જણાવાયું છે કે હાઇવે અને મુખ્ય માર્ગો પરથી રખડતા શ્વાનોને દૂર કરીને તેમને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવે. દરેક મ્યુનિસિપલ કોર્પોરેશને પેટ્રોલિંગ ટીમો બનાવી 24 કલાક દેખરેખ રાખે અને હેલ્પલાઇન નંબર જાહેર કરે, જેથી લોકો તાત્કાલિક રીતે ફરિયાદ કરી શકે.
ત્રીજા આદેશમાં કોર્ટએ જણાવ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ, રમતગમત મેદાનો, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનોમાં રખડતા શ્વાનોના પ્રવેશને અટકાવવા માટે જરૂરી વાડ અને અન્ય વ્યવસ્થાઓ કરવી જરૂરી છે. રસીકરણ અને નસબંધી બાદ જ શ્વાનોને આશ્રયસ્થાનોમાં રાખવાની પણ ફરજ પાડવામાં આવી છે. કોર્ટએ આ તમામ આદેશોના અમલ માટે આઠ અઠવાડિયાની સમયમર્યાદા નક્કી કરી છે.
ગયા 11 ઓગસ્ટે ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં વધતા શ્વાન કરડવાના બનાવોને ગંભીર ગણાવતાં તમામ રખડતા શ્વાનોને આશ્રયસ્થાનોમાં મર્યાદિત રાખવાનો આદેશ આપ્યો હતો. પરંતુ પ્રાણી પ્રેમીઓના વિરોધ બાદ આ મામલો મુખ્ય ન્યાયાધીશ સમક્ષ પહોંચ્યો હતો, અને ત્યારબાદ તે ત્રણ ન્યાયાધીશોની નવી બેન્ચને સોંપાયો.
મહત્વની વાત એ પણ છે કે નવી બેન્ચે અગાઉનો આદેશ રદ કરીને શ્વાનોને પકડીને નસબંધી અને રસીકરણ કર્યા બાદ તેમને તેમના વિસ્તારામાં પાછા છોડવાનો આદેશ આપ્યો હતો. 22 ઓગસ્ટની સુનાવણી દરમિયાન, કોર્ટએ વિવિધ હાઇકોર્ટમાં ચાલી રહેલા સમાન કેસોને પોતાના અધીન લઈ લીધા હતા અને તમામ રાજ્યોને સોગંદનામા દાખલ કરવા કહ્યું હતું. છતાં બે મહિનામાં ફક્ત બે રાજ્યો જ પોતાના અહેવાલ રજૂ કરી શક્યા છે.
27 ઓક્ટોબરના રોજની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્યોના બેદરકાર વલણ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. ન્યાયમૂર્તિઓએ ટિપ્પણી કરી હતી કે દેશભરમાં શ્વાનો દ્વારા કરડવાની ઘટનાઓ સતત વધી રહી છે અને આવી સ્થિતિમાં ભારતની આંતરરાષ્ટ્રીય છબી ખરડાઈ રહી છે. કોર્ટએ સવાલ ઉઠાવ્યો હતો કે, “શું રાજ્ય અધિકારીઓ અખબારો વાંચતા નથી કે સોશિયલ મીડિયા પરથી માહિતગાર નથી થતા?”
સુપ્રીમ કોર્ટના આ તાજેતરના આદેશો રાજ્યો પર સ્પષ્ટ દબાણ રૂપે જોવા મળી રહ્યા છે. આગામી અઠવાડિયામાં રાજ્યો દ્વારા અમલ અને અહેવાલ રજૂ કરવાની ગતિમાં વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.





















