બુધવારે (24 સપ્ટેમ્બર) લેહમાં Gen-Z દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ CRPF વાહનને આગ ચાંપી દીધી. પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વાંગચુક ઘણા મહિનાઓથી લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી.
સામાજિક અને આબોહવા કાર્યકર્તા સોનમ વાંગચુક ઘણા દિવસોથી લદ્દાખમાં ભૂખ હડતાળ પર છે. તેઓ લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સમાવવા અને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે. બુધવારે (24 સપ્ટેમ્બર) લેહમાં વિદ્યાર્થીઓએ વાંગચુકના સમર્થનમાં વિરોધ શરૂ કર્યો. વિદ્યાર્થીઓનો વિરોધ એટલો હિંસક બન્યો કે તેમની પોલીસ સાથે અથડામણ થઈ હતી. પોલીસે પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિરોધ વધુ વકર્યો.
સોનમ વાંગચુકના નેતૃત્વ હેઠળની લદ્દાખ એપેક્સ બોડી, લદ્દાખને છઠ્ઠી અનુસૂચિ અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહી છે. આ હેતુને સમર્થન આપવા માટે વાંગચુક ઘણા દિવસોથી ભૂખ હડતાળ પર પણ છે. તેમણે પહેલા નવી દિલ્હી સુધી લાંબી કૂચનું નેતૃત્વ કર્યું અને પછી ભૂખ હડતાળ પર બેઠા. હવે, Gen-Z તેમના સમર્થનમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર બે ભાગમાં વહેંચાઈ ગયું
જણાવી દઈએ કે 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 હટાવ્યા બાદ, જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો, જ્યારે લેહ અને કારગિલનો સમાવેશ કરતો લદ્દાખ એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો. આ પ્રદેશને પૂર્ણ દરજ્જો આપવાની માંગણીઓ કરવામાં આવી રહી છે.