ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્સ કેસની તપાસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) એ મંગળવાર, 23 સપ્ટેમ્બર 2025ના રોજ પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. સાથે જ, અભિનેત્રી અન્વેશી જૈન પણ સવારે 11 વાગ્યે ED ઓફિસમાં હાજર રહી હતી.
આ જ કેસમાં સોમવારે પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અંજલિ અરોરાને કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
કેસની પૃષ્ઠભૂમિ
જૂનથી ED ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપ્સની તપાસ કરી રહી છે. આ એપ્સમાં 1xBet, FairPlay, Parimatch અને Lotus365નો સમાવેશ થાય છે. ભારતમાં પ્રતિબંધિત હોવા છતાં, અનેક સેલિબ્રિટીઝ આ એપ્સના પ્રચાર સાથે જોડાયા હતા.
હરભજન સિંહ, યુવરાજ સિંહ, સુરેશ રૈના, શિખર ધવન, સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા સહિત અનેક જાણીતા નામોની ED દ્વારા પૂછપરછ થઈ ચૂકી છે. ટોલીવુડના કલાકારોને પણ સમન્સ પાઠવાયા છે.
EDની તપાસમાં શું સામે આવ્યું?
આ એપ્સ દ્વારા મોટા પાયે મની લોન્ડરિંગ અને કરચોરી થઈ રહી હતી.
વ્યવહારો માટે નકલી અને અનામી બેંક ખાતાઓનો ઉપયોગ થતો હતો, જે થોડા કલાકોમાં જ બંધ કરી દેવામાં આવતા.
પૈસા ટ્રાન્સફર થયા બાદ બેંક પાસે તપાસ માટે જરૂરી માહિતી પહોંચે તે પહેલા જ રકમ અન્યત્ર ખસેડાઈ જતી.
આ નેટવર્ક અત્યંત સંગઠિત અને ટેકનિકલ રીતે એડવાન્સ્ડ હોવાનું EDનું માનવું છે.
સરકાર અને EDની કાર્યવાહી
ઓગસ્ટ 2025માં સરકારે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને નિયમન બિલ પાસ કર્યું હતું, જેના કારણે આવા ગેરકાયદેસર પ્લેટફોર્મ્સ પર કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. EDએ આ કેસમાં ગૂગલ અને ફેસબુકના અધિકારીઓને પણ સમન્સ પાઠવ્યા હતા, કારણ કે તેમના પ્લેટફોર્મ પર આ એપ્સના પ્રચાર કરવામાં આવ્યા હતા.