સોમવારે રાષ્ટ્રને નવરાત્રીની શુભકામનાઓ પાઠવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ GST દરોમાં કરાયેલા સુધારાને "આત્મનિર્ભર ભારત અભિયાન" તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.
મોદીએ જણાવ્યું કે આ સુધારાઓ નાના ઉદ્યોગો અને વ્યવસાયો માટે નવી સુવિધાઓ લાવશે, અને દેશના નાગરિકોને દર વર્ષે આશરે ₹2.5 લાખ કરોડની બચત થશે. તેમણે આને "GST બચત મહોત્સવ" તરીકે વર્ણવ્યું.
પહેલાના અને નવા દરોનું પ્રદર્શન
વડા પ્રધાને જણાવ્યું કે દુકાનદારો દ્વારા ચોક્કસ વસ્તુઓ પર પહેલાના અને નવા GST દરો દર્શાવતા પ્લેકાર્ડ્સ મૂકવામાં આવ્યા છે, જે ગ્રાહકોને સીધો લાભ સમજવામાં મદદરૂપ થશે.
કોને મળશે લાભ?
પીએમના જણાવ્યા મુજબ, નવા સુધારાથી ખેડૂતો, મહિલાઓ, યુવાનો, ગરીબ, મધ્યમ વર્ગ, વેપારીઓ અને નાના ઉદ્યોગોને સીધો ફાયદો મળશે.
GST સ્લેબને સરળ બનાવતાં હવે ફક્ત બે પ્રાથમિક દરો લાગુ થશે.
ખોરાક, દવાઓ, સાબુ, ટૂથપેસ્ટ જેવી રોજિંદી વસ્તુઓ હવે કરમુક્ત અથવા 5% દરે ઉપલબ્ધ થશે.
મોટાભાગના ઘરગથ્થુ ખર્ચમાં રાહત મળશે.
સ્વદેશી વસ્તુઓ ખરીદવાની અપીલ
મોદીએ નાગરિકોને સ્વદેશી વસ્તુઓ ખરીદવા અને વેપારીઓને તેને પ્રોત્સાહન આપવા આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે સ્વદેશી વસ્તુઓની ખરીદી લાખો પરિવારોની આજીવિકા મજબૂત બનાવે છે અને યુવાનો માટે રોજગાર સર્જે છે.
2047 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન યાદ કરાવતા વડા પ્રધાને જણાવ્યું કે “આત્મનિર્ભરતા એ જ વિકસિત ભારતનો સીધો માર્ગ છે. GST સુધારા આ આત્મનિર્ભરતાને વેગ આપશે અને દરેક પરિવારે તેનો લાભ અનુભવશે.”