અમેરિકામાં H-1B વિઝાને લઈને દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે. લોકોના મનમાં એક જ સવાલ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે રાતોરાત H-1B વિઝાની ફી કેમ વધારી દીધી? તેના જવાબમાં વ્હાઈટ હાઉસે એક ફેક્ટ શીટ જાહેર કરી છે. આ ફેક્ટ શીટમાં જણાવાયું છે કે કેટલીક અમેરિકન કંપનીઓ H-1B વિઝા દ્વારા વિદેશી લોકોને ઓછા પગારે નોકરી આપે છે અને અમેરિકનોને નોકરીમાંથી કાઢી નાખે છે. વ્હાઇટ હાઉસનો દાવો છે કે, અમેરિકન કંપનીઓએ 2025માં 40,000થી વધુ IT કર્મચારીઓને કાઢ્યા છે, પણ તે જ સમયે H-1B વિઝા માટે હજારો અરજીઓ મંજૂર થઈ.
2023માં આઈટી ક્ષેત્રમાં H-1B વિઝાની માંગ 32%થી વધીને 65% થઈ ગઈ, જેના કારણે અમેરિકન યુવાનોમાં બેરોજગારી વધી. STEM એટલે (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) ક્ષેત્રમાં વિદેશી કર્મચારીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.
ફેક્ટ શીટમાં શું છે?
વ્હાઈટ હાઉસે H-1B વિઝા અંગે ફેક્ટ શીટમાં એવું પણ જણાવ્યું છે કે કોમ્પ્યુટર સાયન્સના 6.1% અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગના 7.5% ગ્રેજ્યુએટ યુવાનો બેરોજગાર છે. STEM ક્ષેત્રમાં વિદેશી કર્મચારીઓની સંખ્યા બે ગણી થઈ. વ્હાઈટ હાઉસનો દાવો છે કે STEM ક્ષેત્રમાં નોકરીઓ માત્ર 44.5% વધી છે, પરંતુ 2000-2019 દરમિયાન વિદેશી કર્મચારીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. વ્હાઈટ હાઉસે કેટલીક કંપનીઓની વિગતો આપી.
કંપની 1 (2025): 5,189 H-1B વિઝા ધારકોને નોકરી મળી, જેની સામે 16,000 અમેરિકનોની નોકરી ગઈ.
કંપની 2 (2025): 1,698 H-1B વિઝા ધારકોને નોકરી મળી, તેની સામે 2,400 અમેરિકનોની નોકરી ગઈ.
કંપની 3 (2022): 25,075 H-1B વિઝા ધારકોને નોકરી મળી, તેની સામે 27,000 અમેરિકનોની નોકરી ગઈ.
કંપની 4 (2025): 1,113 H-1B વિઝા ધારકોને નોકરી મળી, તેની સામે 7000 થી વધુ લોકોની નોકરી ગઈ જેઓ અમેરિકન નાગરિક છે.
અમેરિકન સરકારના આ દાવાઓમાં કેટલું તથ્ય છે તે તો તપાસનો વિષય છે, પરંતુ વ્હાઈટ હાઉસનું કહેવું છે કે આ ચોંકાવનારા આંકડાઓ સામે આવતા ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ આ પગલું ભરવામાં આવ્યું છે. અમેરિકન સરકાર ઈચ્છે છે કે કંપનીઓ અમેરિકન યુવાનોને નોકરીમાં પ્રાથમિકતા આપે.
New Jersey થી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો અહેવાલ