પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વરસાદ કહેર બનીને વરસી રહ્યો છે. ભયાનક વરસાદ અને કરંટના કારણે અલગ-અલગ વિસ્તારોમાં અત્યાર સુધીમાં 7 લોકોનું મોત થયું છે. બેનિયાપુકુર, કાલિકપૂર, નેતાજી નગર, ગરિયાહાટ અને ઇકબાલપુર સહિત કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મેટ્રો અને ટ્રેનની સેવાઓ ઠપ થઈ ગઈ છે. શહેરના રસ્તા પર ખૂબ પાણી ભરાઈ ગયું છે.
કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) ના જણાવ્યા અનુસાર, શહેરના દક્ષિણ અને પૂર્વીય ભાગોમાં વરસાદ વધુ તીવ્ર હતો. ગારિયા કામદહારીમાં અમુક કલાકોમાં 332 મિલીમીટર વરસાદ પડ્યો, જ્યારે જોધપુર પાર્કમાં 285 મીમી વરસાદ નોંધાયો. કાલીઘાટમાં 280 મીમી, ટોપસિયામાં 275 મીમી, બાલીગંજમાં 264 મીમી, જ્યારે ઉત્તર કોલકાતાના થંટાનીયામાં 195 મીમી વરસાદ પડ્યો.
વરસાદને લઈ IMD ની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પર બનેલા ઓછા દબાણના ક્ષેત્રને કારણે દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પર એક ઓછા દબાણનો ક્ષેત્ર રચાયો છે અને તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે, જેના કારણે દક્ષિણ બંગાળના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવાર (24 સપ્ટેમ્બર) સુધી દક્ષિણ બંગાળના પૂર્વ મેદિનીપુર અને પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા, ઝારગ્રામ અને બાંકુરા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.
કોલકાતા અને પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂજા પંડાલો પાણીમાં ડૂબી ગયા છે, અન્ય જગ્યાએ ઉખડી ગયા છે અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.