IGI એરપોર્ટ પર એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અફઘાનિસ્તાનનો એક 13 વર્ષનો છોકરો વિમાનના વ્હીલમાં છુપાઈને કાબુલથી દિલ્હી આવ્યો...આવી જ એક ઘટના 1996 માં બની હતી, જ્યારે પંજાબના બે ભાઈઓએ વિઝા અને પાસપોર્ટ વિના ગેરકાયદેસર રીતે વિદેશ પ્રવાસ કરવાનું નક્કી કર્યું. 1996માં પંજાબના બે ભાઈઓ પ્રદીપ સૈની (23) અને વિજય સૈની (19) એ વિઝા અને પાસપોર્ટ વિના ગેરકાયદેસર રીતે વિદેશ જવાનો નિર્ણય કર્યો હતો. આ જીવલેણ મુસાફરી દરમિયાન એક ભાઈનું મૃત્યુ થયું હતું.
પ્રદીપ સૈની અને વિજય સૈની પંજાબથી દિલ્હી પહોંચ્યા અને આઈજીઆઈ એરપોર્ટ પર ઘણા દિવસો સુધી તપાસ કરી. એરપોર્ટમાં પ્રવેશવાનો રસ્તો શોધી કાઢતા, બંને ભાઈઓ લંડન હીથ્રો જતી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટના લેન્ડિંગ ગિયરમાં છુપાઈ ગયા. ટેકઓફ કરતી વખતે, લેન્ડિંગ ગિયર પાછું ખેંચાઈ જાય છે અને દરવાજો બંધ થઈ જાય છે.
દિલ્હીથી રવાના થયાના લગભગ 10 કલાક પછી, જ્યારે ફ્લાઇટ લંડનના હીથ્રો એરપોર્ટ પર ઉતરી, ત્યારે એક કર્મચારીએ લેન્ડિંગ ગિયરમાંથી એક ભારે વસ્તુ પડતી જોઈ. નજીકથી નિરીક્ષણ કર્યા પછી, તે પ્રદીપ સૈની હતો, જે હજુ પણ શ્વાસ લઈ રહ્યો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ભાનમાં આવ્યા પછી તેણે સમગ્ર ઘટના જણાવી.
જ્યારે પ્રદીપે તેના નાના ભાઈ વિજય વિશે પૂછ્યું, ત્યારે શોધખોળ શરૂ કરવામાં આવી. ઘટનાના પાંચ દિવસ પછી, તેનો મૃતદેહ દક્ષિણ પશ્ચિમ લંડનના રિચમંડના એક ઔદ્યોગિક વિસ્તારમાં મળી આવ્યો. એવું તારણ નિકળ્યુ કે કે તેનું મૃત્યુ ઠંડીના સંપર્કમાં આવવાથી થયું છે. તે લેન્ડિંગ દરમિયાન એરપોર્ટ નજીક વિમાનથી 2,000 ફૂટની ઊંચાઈએથી પડી ગયો હતો.
