દિલ્હીની એક મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 17 છોકરીઓ સાથે અભદ્ર વર્તનનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના વિધાર્થીઓએ ચૈતન્યનંદ સરસ્વતી, જેમને પાર્થ સારથી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની સામે ગંભીર આરોપો લગાવ્યા છે. દિલ્હી પોલીસે સંસ્થાના સંચાલક પીએ મુરલીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. આ સંસ્થા શારદા પીઠ શ્રૃંગેરી સાથે જોડાયેલી છે.
વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં પીએ મુરલી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી, જેમને ડૉ. સ્વામી પાર્થસારથી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ની મહિલા વિધાર્થીઓ પર જાતીય હુમલો કર્યો હતો. પીડિતો EWS શિષ્યવૃતિ હેઠળ PGDM (પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ) કોર્સ કરી રહી હતી.
પોલીસે 32 વિધાર્થીનીઓના નિવેદનો નોંધ્યા, જેમાથી 17 વિધાર્થીનીઓએ આરોપ લગાવ્યો કે, આરોપીઓએ અપશબ્દોનો ઉપયોગ કર્યો, અશ્લીલ વૉટ્સએપ સંદેશા મોકલ્યા અને અનિચ્છનીય શારીરિક સંપર્ક પણ કર્યા. પીડિતોએ એ પણ જણાવ્યું કે, સંસ્થામાં કેટલીક મહિલા ફેકલ્ટી અને વહીવટી કર્મચારીઓએ આરોપીઓની માંગણીઓનું પાલન કરવા માંટએ તેમના પર દબાણ કર્યું.ફરિયાદ પછી, પોલીસે IPC ની કલમ 75(2), 79 અને 351(2) હેઠળ કેસ નોંધ્યા અને તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા, અને ઘટનાસ્થળ અને આરોપીના સરનામા પર દરોડા પાડવામાં આવ્યા, પરંતુ આરોપી હજુ ફરાર છે. પોલીસે સંસ્થાના ભોંયરામાં પાર્ક કરેલી વોલ્વો કાર જપ્ત કરી, જેમા આરોપી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટ (39 UN 1) હતી. 25 ઓગસ્ટ, 2025 ના રોજ નવો કેસ નોંધવામાં આવ્યો અને કાર જપ્ત કરવામાં આવી.
પોલીસે સંસ્થામાંથી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા અને તેને ફોરેન્સિક તપાસ માંટએ મોકલી છે. ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ 16 પીડિતોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું છેલ્લું સ્થાન આગ્રા નજીક મળી આવ્યું હતું, અને શોધ ચાલુ છે. આ ઘટના બાદ, શ્રી શારદા સંસ્થાન અને શ્રૃંગેરી મઠ વહીવટીતંત્રે આરોપીને તમામ હોદ્દા પરથી દૂર કરી દીધો છે અને તેની સાથેના સંબંધો તોડી નાખ્યા છે. શ્રી શારદા પીઠે આરોપીના કાર્યોને "ગેરકાયદેસર, અયોગ્ય અને સંસ્થાના હિતોની વિરુદ્ધ" ગણાવ્યા છે.