Smriti Mandhana ODI Record INDW vs SAW WC: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ શુક્રવારે વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ઇતિહાસ રચ્યો. સ્મૃતિ મંધાનાએ એક કેલેન્ડર વર્ષમાં ODI માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. સ્મૃતિ મંધાનાએ 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. સ્મૃતિ મંધાનાએ સાઉથ આફ્રિકા સામે 33 બોલમાં 23 રન બનાવ્યા. આ દરમિયાન, 11 મો રન બનાવતાની સાથે જ તે એક કેલેન્ડર વર્ષમાં ODI માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ. સ્મૃતિ મંધાનાએ આ વર્ષે 17 ODI ની 17 ઇનિંગ્સમાં 982 રન બનાવ્યા છે, જેમાં 4 સેંચુરી અને 3 હાફ-સેંચુરી ફટકારી છે.
સ્મૃતિ મંધાના પાસે બીજો મોટો રેકોર્ડ બનાવવાની તક
અગાઉનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના બ્લેન્ડા ક્લાર્કના નામે હતો, જેમને 1997 માં 970 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડ 2022 માં 882 રન સાથે યાદીમાં ત્રીજા ક્રમે છે. સ્મૃતિ મંધાના પાસે એક કેલેન્ડર વર્ષમાં 1,000 કે તેથી વધુ રન બનાવવાની તક છે, જે તે આ વર્લ્ડ કપમાં હાંસલ કરશે તેવી શક્યતા છે.
ભારતીય ટીમ માટે સ્મૃતિ મંધાનાનું ફોર્મ ચિંતાનો વિષય
જ્યારે મંધાનાનું ફોર્મ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝમાં તે શાનદાર ફોર્મમાં હતી, તેણે ઘણી સેંચુરીઓ ફટકારી હતી, પરંતુ વર્લ્ડ કપમાં અત્યાર સુધી તેનું પર્ફોમન્સ કઈ ખાસ રહ્યું નથી. આ મેચમાં જ્યારે તે 23 રન પર બેટિંગ કરી રહી હતી, ત્યારે એવું લાગતું હતું કે, તે મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. જોકે, તેનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું, અને સારી શરૂઆત પછી, તે ફરી એકવાર મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ ગઈ.
સ્મૃતિ મંધાનાનું ત્રણ વર્લ્ડ કપ મેચમાં પ્રદર્શન
સ્મૃતિ મંધાના ત્રણ વર્લ્ડ કપ મેચમાં ફક્ત 8, 23 અને 23 રન બનાવી શકી. તેની નિષ્ફળતાઓ ભારતીય ટીમની બેટિંગને નબળી બનાવી રહી છે અને સમસ્યાઓ ઉભી કરી રહી છે. જો ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવું હોય, તો સ્મૃતિ મંધાનાએ ફોર્મમાં પાછા ફરવું પડશે.
એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ODI રન
982* - સ્મૃતિ મંધાના (ભારત - 2025)
970 - બેલિન્ડા ક્લાર્ક (ઓસ્ટ્રેલિયા - 1997)
882 - લૌરા વોલ્વાર્ડ (દક્ષિણ આફ્રિકા - 2022)
880 - ડેબી હોકલી (ન્યુઝીલેન્ડ - 1997)
853 - એમી સેટરથવેટ (ન્યૂઝીલેન્ડ - 2016)