IND vs WI 2nd Test 2025: શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા તેની પહેલી ટેસ્ટ સીરિઝ ઈન્ડિયા અને ઇંગ્લેન્ડની સીરિઝને 2-2 થી ડ્રૉ કરવામાં સફળ રહી હતી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ સીરિઝની બીજી અને અંતિમ મેચ શુક્રવાર, 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા આ સીરિઝમાં 1-0 થી આગળ છે, અને જો બીજી ટેસ્ટ ડ્રો થાય તો પણ ભારત શ્રેણી જીતશે. જો કે, ભૂતકાળના રેકોર્ડ પર નજર કરીએ તો, બંને ટીમો આ સ્ટેડિયમમાં કુલ 7 વખત ટેસ્ટ મેચોમાં એકબીજાનો સામનો કરી ચૂકી છે, પરંતુ વેસ્ટ ઈન્ડિઝે ભારત કરતા વધુ મેચ જીતી છે.
પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન
શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને વ્યાપકપણે હરાવી હતી. પ્રથમ ઇનિંગમાં વેસ્ટ ઈન્ડિઝને 162 રનમાં ઓલઆઉટ કર્યા પછી, ભારતે 448/5 પર પોતાનો ઇનિંગને ડિકલેર કરી હતી. કેએલ રાહુલ (100), ધ્રુવ જુરેલ (125) અને રવિન્દ્ર જાડેજા (104) એ સેંચુરી ફટકારી હતી. બીજી ઇનિંગમાં વેસ્ટ ઈન્ડિઝને 146 રનમાં ઓલઆઉટ કર્યા પછી, ટીમ ઈન્ડિયાએ એક ઇનિંગ અને 140 રનથી મેચ જીતી હતી.
અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝનો રેકોર્ડ
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કુલ 7 ટેસ્ટ મેચો રમાઈ છે. જેમા ભારતીય ટીમે માત્ર 1 મેચમાં જીત મેળવી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારતીય ટીમ કરતાં વધુ 2 ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. પરંતુ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 4 ટેસ્ટ મેચો ડ્રો થઈ છે.
કઈ મેચ, ક્યારે રમાઈ અને કોણે જીત મેળવી?
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ નવેમ્બર 1948 માં રમાઈ હતી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની આ મેચ ડ્રો રહી હતી. બંને ટીમો વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ફેબ્રુઆરી 1959 માં રમાઈ હતી, જે પણ ડ્રો રહી હતી. બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ ડિસેમ્બર 1974 માં દિલ્હીમાં રમાઈ હતી, જેમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને એક ઇનિંગ્સ અને 17 રનથી હરાવ્યું હતું. અહીં બંને ટીમો વચ્ચે રમાયેલી ત્યારપછીની બે ટેસ્ટ (1979 અને 1983) ડ્રો રહી હતી. નવેમ્બર 1987 માં અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝે બીજી વખત ભારતને ૫ વિકેટથી હરાવ્યું હતું. દિલ્હીમાં બંને ટીમો છેલ્લે નવેમ્બર 2011 માં એકબીજા સામે ટકરાઈ હતી, જ્યાં ભારતીય ટીમે અરુણ જેટલી સ્ટેડિયમમાં પહેલી વાર વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. ભારતે તે મેચમાં 5 વિકેટથી જીત મેળવી હતી. હાલમાં ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર પણ તે મેચમાં રમી રહ્યા હતા.
ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ બીજી ટેસ્ટ મેચ લાઈવ ક્યાં જોવી?
ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ બીજી ટેસ્ટ મેચ 10 થી 14 ઓક્ટોબર દરમિયાન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. આ મેચનું Star Sports Network પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર થશે.