શુભમન ગિલ હવે ટેસ્ટ અને ODI બંને ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન છે. ચીફ સિલેક્ટર અજિત અગરકરે 4 ઓક્ટોબરે શુભમન ગિલને ODI ટીમનો કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જોકે, રોહિત પાસેથી ODI કેપ્ટનશીપ છીનવાઈ જવા અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. પ્રશ્ન એ છે કે તેમના માર્ગદર્શન હેઠળ રમનારા કોઈપણ ભારતીય ખેલાડીએ પ્રતિક્રિયા કેમ આપી નહીં. સૌથી મોટો પ્રશ્ન એ હતો કે નવા ODI કેપ્ટન શુભમન ગિલ આ સમગ્ર મુદ્દા પર ચૂપ કેમ રહ્યા?
શુભમન ગિલે કર્યો મોટો ખુલાસો
આ બધા પ્રશ્નો વચ્ચે, શુભમન ગિલે આખરે આજે (9 ઓક્ટોબર) દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચ (10 ઓક્ટોબરથી યોજાનારી) પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેણે એ પણ સૂચિત કર્યું કે તે પહેલાથી જ રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવવા અંગે જાણતો હતો.
ભારતીય ટીમનો કેપ્ટન પહેલાથી જ નક્કી હતો
ODI કેપ્ટન તરીકે નિયુક્ત થવા અંગે ગિલે કહ્યું, "પહેલી ટેસ્ટ (અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે) પછી તેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મને તેના વિશે થોડી પહેલા જ ખબર હતી. ભારતની કેપ્ટનશીપ કરવી મારા માટે સન્માનની વાત છે."
રોહિત શર્માની કેપ્ટનસીથી પ્રેરણા લેશે શુભમન ગિલ
ટીમ ઈન્ડિયાના નવા ODI કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે, તે તેમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માના "શાંત સ્વભાવ અને ટીમમાં તેમણે બનાવેલા સંબંધો" ને આગળ વધારવા માંગે છે. હું રોહિત ભાઈના શાંત સ્વભાવ અને ટીમમાં મિત્રતાનું વાતાવરણ ઊભું કરવાની રીતને અપનાવવા માંગુ છું."
ગિલે કહ્યું, રોહિત-કોહલી ODI રમવાનું ચાલુ રાખશે
નવા ODI કેપ્ટન શુભમન ગિલે પણ સ્પષ્ટતા કરી કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય અંગેની અટકળો ખોટી છે. બંને ખેલાડીઓ હવે ફક્ત ODI ફોર્મેટ માટે જ ઉપલબ્ધ છે. કોહલી લંડનમાં છે, જ્યારે રોહિત શર્મા મુંબઈમાં પોતાના ઘરે છે. બંને 15 ઓક્ટોબરે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. ગિલે કહ્યું, "આ બંનેએ ભારત માટે અસંખ્ય મેચ જીતી છે. બહુ ઓછા ખેલાડીઓ પાસે આટલી કુશળતા અને અનુભવ છે; આપણને તેમની જરૂર છે." 25 વર્ષીય ગિલ પહેલાથી જ ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરે છે. હવે તે 19 થી 25 ઓક્ટોબર દરમિયાન ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સીરિઝમાં કેપ્ટનશીપ કરશે.